રાજપીપળામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત 157 વૃક્ષારોપણ
Live TV
-
મહાત્મા ગાંધીજીની 157 મી જન્મજયંતિ અને ‘સ્વચ્છતા હી સેવા 2026’ અભિયાન અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા ‘એકજૂટ પ્રયાસ, પ્રભાવી બદલાવ’ થીમ હેઠળ રાજપીપળા ખાતે બરોડા સ્વરોજગાર વિકાસ યોજના (RSETI) સંસ્થામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં નાંદોદના પ્રાંત અધિકારી પરસનજીત કૌર અને બેંક ઓફ બરોડાના અધિકારીઓની ઉપસ્થિતિમાં RSETIના નિર્માણાધીન કેમ્પસમાં 157 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.પ્રાંત અધિકારી પરસનજીત કૌરે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, માનવી ખોરાક વિના લાંબો સમય જીવી શકે છે, પરંતુ ઓક્સિજન વિના જીવન શક્ય નથી. તેમણે માત્ર વૃક્ષારોપણ કરવા પૂરતું મર્યાદિત ન રહેતા વાવેલા વૃક્ષોની ઓછામાં ઓછી બે વર્ષ સુધી યોગ્ય માવજત કરવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડ વિનય કુમાર રાઠીએ ગાંધીજીના સ્વચ્છતાના આદર્શોને યાદ કરી સ્વચ્છતા જાળવવા અને કચરો ગમે ત્યાં ન ફેંકવાની અપીલ કરી હતી. તેમણે રાજપીપળામાં વેસ્ટ મેનેજમેન્ટની પ્રક્રિયામાં જોડાવા માટે બેંક તરફથી સંપૂર્ણ તૈયારી અને કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા જાળવવા, વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા સંકલ્પ લીધો હતો. ઉપરાંત, RSETI ખાતે તાલીમ મેળવી સ્વરોજગારની દિશામાં આગળ વધી રહેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે બેંક ઓફ બરોડા-બરોડા ઝોનના જનરલ મેનેજર અને ઝોનલ હેડ વિનય કુમાર રાઠી, બરોડા ડિસ્ટ્રિક્ટ રીજિયનના એજીએમ અને રીજનલ હેડ સુરેન્દ્ર શર્મા સહિત બેંકના અધિકારીઓ, RSETIના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
