વડોદરાની નિશાકુમારીના સાહસને સલામ: નાઈટ મેરાથોનમાં 12 કલાકમાં પૂર્ણ કરી 78 કિમીની દોડ
Live TV
-
સમગ્ર વિશ્વમાં આગામી 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. એક દોડવીર યુવતીએ જાણે કે આ ઉજવણીની આગોતરી યશસ્વી શરૂઆત કરી દીધી છે.
શિક્ષણથી ગણિતશાસ્ત્રી એવી વડોદરાની યુવતી નિશાકુમારીએ તાજેતરમાં જ અમદાવાદના શાંતિગ્રામ ખાતે યોજાયેલી અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોનમાં ગર્લ્સ કેટેગરીમાં વિજય મેળવ્યો છે. અમદાવાદ ડિસ્ટન્સ રનર સંસ્થા દ્વારા ૪, ૬ અને ૧૨ કલાક એમ કુલ ત્રણ કેટેગરીમાં આયોજિત આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના કુલ ૧૮૦ ધાવકોએ પણ ભાગ લીધો હતો.
નિશાએ આ મેરેથોનમાં બાર કલાકની કેટેગરીમાં ભાગ લઈને સાંજના ૭ કલાકથી બીજા દિવસની સવારના ૭ કલાક સુધી દોડ લગાવી હતી. તેણે આ ૧૨ કલાક દરમિયાન ૬ કિ.મી.ના ૧૩ ચક્રો પૂરા કરીને કુલ ૭૮ કિ.મી.ની દોડ પૂરી કરીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હાલમાં આ દીકરી દૈનિક ૫ થી ૧૦ કિ.મી. મહાવરા માટે દોડે છે. નિશાનું લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું છે. તેના માટે તે આ તનતોડ પરિશ્રમ કરી રહી છે.
નિશાએ આ મેરેથોન જીત્યા બાદ પોતાની સિદ્ધિ વિશ્વ મહિલા દિવસને સમર્પિત કરી છે. ભૂતકાળમાં તેણે ૧૨ કલાકની અવિરત દોડ એકથી વધુ વાર પૂરી કરી છે.
સૈનિક પરિવારની આ દીકરીની ઈચ્છા લશ્કરમાં જોડાવાની હતી, પરંતુ કેટલીક મર્યાદાઓને આધીન તેનું આ સપનું પૂરું ના થઈ શક્યું. ત્યારબાદ તેણે વોકિંગ, સાયકલિંગ અને રનીંગને એક પેશન તરીકે સ્વીકાર્યા છે. હિમાલયના બરફીલા પ્રદેશોમાં તેને અનેક સાહસ યાત્રાઓ કરી છે. તેની સાથે તે કોરોના રસીકરણની જાગૃતિ, બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન જેવા સામાજિક ધ્યેયોનો પ્રચાર પણ કરે છે.
આ નાઈટ અલ્ટ્રા મેરેથોનનું પ્રેરક સૂત્ર છે 'There is no finish line'. નિશાએ જાણે કે તેને જીવન સૂત્ર તરીકે અપનાવ્યું છે અને અટક્યા વગર સતત નવી નવી મંઝિલો સુધી તે દોડી રહી છે.
