નડિયાદથી રાજ્યની પ્રથમ અંડર-11 એથ્લેટિક્સ મીટનો થયો શુભારંભ
Live TV
-
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાનિકેતન વિભાગ, ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટી તેમજ ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સિના સહયોગથી પ્રથમવાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એથ્લેટીક્સ મીટનો શુભારંભ સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહે કરાવ્યો હતો.
આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાને જણાવ્યું હતું કે, રાજયકક્ષાની અંડર-૧૯ એથ્લેટિકસ મીટ-૨૦૨૨ માં આશરે 7000 ઉપરાંતના ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું છે. રમત-ગમતથી બાળકોમાં એકાગ્રતા અને ગ્રહણશક્તિ કેળવાય છે. ત્યારે રમત-ગમતનું જીવનમાં અને શિક્ષણમાં ખૂબ જ મહત્વ છે. વધુમાં તેમણે મીટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી વિશ્વની અજોડ યુનિવર્સિટી છે. રમત-ગમત બાળકના વિકાસનો મહત્વનો આયામ હોવાથી ભવિષ્યની ૨૦૩૬ ની ઓલિમ્પિકમાં ભારતને વધુ સારી સિદ્ધિ મળે તે માટે આ ઐતિહાસિક મીટનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહે જણાવ્યું હતું કે, રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રાલય તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સના સહયોગથી આગમી તા.૧૦ મી માર્ચ સુધી આ મીટનું આયોજન છે. આ સ્પર્ધામાં નાનકડા રમતવીરોને કુલ ૧૧ લાખનાં ઇનામો આપવાનું આયોજન છે. દરેક ઇવેન્ટમાં ટોપ ટેનમાં આવનારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ પ્રસંગ દરમિયાન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલ અને ડૉ. કેશુભાઇ મોરસાણિયા દ્ધારા લખાયેલ ‘૧૦૦૦થી વધુ ભારતીય રમતો’ લેખીત પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.
