વડોદરા સેન્ટ્રલ જેલમાં બનનારા સેન્ટરમાં 20 જેલ કેદીઓ આપશે ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા
Live TV
-
બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે. જો કે હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેવા 20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે. બહાર જેમ જુદી જુદી શાળાઓમાં રાખવામાં આવે છે તેવી જ રીતે આ કેદી પરીક્ષાર્થીઓ માટે સેન્ટ્રલ જેલમાં જ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે અને બોર્ડ પ્રતિનિધિઓની નિગરાની હેઠળ તમામ નીતિ નિયમો અનુસરીને અને તકેદારીના નિયમો પાળીને જેલમાં બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે. આમ, તો જેલવાસ એક પરીક્ષા કસોટી જ છે અને હવે કેદીઓ માટે જેલમાં યોજાનારી પરીક્ષા તેઓને શિક્ષણ દ્વારા જીવનમાં પીઠબળ આપનારી બની રહેશે.
કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું કે એસ.એસ.સી.એટલે કે ધોરણ દશની પરીક્ષા આપવા માટે 11 અને એચ.એસ.સી.એટલે કે બારમા ધોરણની પરીક્ષા આપવા માટે 09 મળીને કુલ 20 કેદી પરીક્ષાર્થીઓ છે જે હાલમાં ખૂબ ધ્યાનથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. 20 પૈકી 5 કાચા કામના કેદીઓ જેમના પર હાલમાં અદાલતી કાર્યવાહી ચાલી રહી છે જ્યારે અન્ય 15 કેદીઓ અદાલત દ્વારા સજા પામેલા એટલે કે પાકા કામના કેદીઓ છે. કેદી પરીક્ષાર્થીઓની ઉંમર 25 થી 35 વર્ષની છે.ભણવાની ઉંમરે જેઓ બહાર ના ભણી શક્યા એમને ભણતર આગળ વધારવાની તક જેલમાં રહીને મળી એ રૂડી વાત ગણાય.
કેદી પરીક્ષાર્થીઓની સંખ્યા વધુ હોય ત્યારે વાંચન અને પરીક્ષાની તૈયારીઓ માટે જુદી બેરેક રાખવામાં આવે છે. જો કે આ વર્ષે સંખ્યા ઓછી હોવાથી તેઓ પોતાની બેરેકમાં જ પૂર્વ તૈયારી કરી રહ્યાં છે. બોર્ડ પરીક્ષા આપવા માટે નિયમિત વિદ્યાર્થીઓ તેમની શાળાઓમાંથી સામાન્ય રીતે પરીક્ષા ફોર્મ ભરે છે.જો કે કેદીઓ એવી કોઈ શાળાના નિયમિત વિદ્યાર્થીઓ નથી. એટલે તેમના ફોર્મ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માધ્યમથી, તે સૂચવે તે પ્રમાણેની શાળામાંથી ઓનલાઇન ભરવામાં આવે છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં બીજા પ્રવેશદ્વાર પછી વિશાળ ખુલ્લી જગ્યામાં ઓપન થીયેટર છે. તેની સામે આવેલી ક્વોરન્ટાઈ્ન બેરેકને તમામ સુવિધાઓ બોર્ડના ધારાધોરણ પ્રમાણે રાખીને બોર્ડ પરીક્ષા કેન્દ્રમાં ફેરવવામાં આવશે. સી.સી.ટીવી સહિત ચુસ્ત નિગરાની અને તકેદારી હેઠળ પરીક્ષા લેવામાં આવશે. આ કેદી વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો, અપેક્ષિતો જેવું જરૂરી સાહિત્ય પૂર્વ તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેઓ સ્વ અભ્યાસ કરે છે અને સુશિક્ષિત સાથી કેદીઓ તેમને જરૂરી કોચિંગ આપે છે.
જેલમાં રહીને ભણવાની આ ધગશને જેલ અને બોર્ડના સત્તાધિકારીઓ દ્વારા પીઠબળ મળવાથી કેદમાં હોવા છતાં તેમના માટે શિક્ષણના દ્વાર ખુલ્યા છે.આ શિક્ષણ તેમને નવા જીવનના માર્ગે લઈ જાય,સમાજ માટે સંપત્તિ રૂપ બની તેઓ આ કપરા કસોટી કાળમાં થી બહાર આવે એવી શુભકામનાઓ.
