આરોગ્યમંત્રીએ ગાંધીનગરથી 12 થી 14 વયના બાળકો માટે કોરોના રસીકરણનો કરાવ્યો શુભારંભ
Live TV
-
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના 12 થી 14 ની વયના બાળકો માટે ગાંધીનગર સેક્ટર-24 ના અર્બન હેલ્થ સેન્ટર થી કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. તદ્ઉપરાંત 60 થી વધુ વયના તમામ વયસ્કો માટે પ્રિ-કોશન ડોઝનો પણ આરોગ્યમંત્રીએ આરંભ કરાવ્યો છે.
ભારતીય વૈજ્ઞાનિકોએ ખૂબ જ ટૂંકા ગાળામાં સ્વદેશી વેક્સિન બનાવી તેમાં પણ બાળકો માટે ગણતરીના મહિનાઓમાં વેક્સિન ઉપલબ્ધ કરાવીને વૈશ્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિકોની સંશોધન શક્તિનો પરચો કરાવ્યો છે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક કહ્યું છે.
12 થી 14ની વયના બાળકો માટે આરંભાયેલા રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના 22 લાખથી વધુ બાળકોને બે હજારથી વધુ કેન્દ્રો પર વેક્સિનેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભવામાં આવી છે. જેમાં 2500 થી વધુ વેક્સિનેટર રાજ્યના બાળકોને વેક્સિનેટ કરવાની કામગીરી હાથ ધરશે.
બાળકોને શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોર્બેવેક્સ વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે.જ્યારે 28 દિવસના અંતરાલ બાદ બાળકોને વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવીને રાજ્ય સરકાર પાસે કોર્બેવેક્ષ વેક્સિનના પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાંવ્યું હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી 2021 થી દેશભરમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશમાં 180 કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતે પણ 10 કરોડ 47 લાખ ડોઝ કોરોના રસીકરણ દ્વારા રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ સામે સુરક્ષિત કર્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના વાલીઓને બાળકોને કોરોનાની રસી અપાવીને કોરોના સામે સુરક્ષિત કરવા અનુરોધ કર્યો છે. 12 થી 14 ની વયના બાળકોના રસીકરણ પ્રસંગે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, કોર્પોરેટરઓ, જિલ્લાના અગ્રણીઓ,આરોગ્ય અધિકારીઓ, હેલ્થકેર વર્કસ અને મોટી સંખ્યામાં બાળકો અને 60 થી વધુ વયના વયસ્કો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
