વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતાં 250થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
Live TV
-
વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને જિલ્લા કલેકટર નીતિન સાંગવાને અગમચેતીના ભાગરૂપે આજે સવારે વલસાડ શહેરના નીચાણવાળા વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થળ પર જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ઔરંગા નદીના પ્રકોપથી કાશ્મીરા નગર ખાલી કરાયું
વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટી તરફ ઉપર જઈ રહ્યું છે, જેને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. નદીકાંઠાના કાશ્મીરા નગર વિસ્તારમાંથી આશરે 250થી 300 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ નાગરિકો માટે રામલલ્લા હોલ ખાતે અસ્થાયી આશ્રયસ્થાન ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં વલસાડ નગરપાલિકા દ્વારા તેમના રહેવા અને ભોજનની ઉત્તમ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
નાગરિકોને સાવચેત રહેવા અપીલ
કલેકટર નીતિન સાંગવાને વલસાડ નગરપાલિકા, પોલીસ વિભાગ અને NDRFની ટીમો સાથે બેઠક યોજીને દરેક આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. કલેકટરે સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રની આખી ટીમ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ૨૪ કલાક ખડેપગે તૈનાત છે. આ સાથે તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરી છે.
આ નિરીક્ષણ વેળાએ કલેકટરની સાથે વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર વિકાસ વાઘેલા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું.