વાઇબ્રન્ટ કચ્છ: ગાંધીધામ ખાતે રૂ. 8500 કરોડના MoU સંપન્ન; 334 MSME એકમો જોડાશે
Live TV
-
કચ્છના ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે ‘વાઇબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત કુલ 334 MSME એકમો સાથે રૂ. 8500 કરોડના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે કચ્છના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરશે.
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, “કચ્છની ખમીરવંતી પ્રજાએ કુદરતી આફતોને માત આપીને આજે આ પ્રદેશને વિકાસનું કેન્દ્ર બનાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ આજે ટુરીઝમ, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કચ્છ અત્યારે દેશનો ૪૦ ટકા કાર્ગો હેન્ડલ કરી રહ્યું છે અને આગામી સમયમાં ગ્રીન હાઈડ્રોજન, ડેટા સેન્ટર અને બ્લુ ઇકોનોમીનું મુખ્ય કેન્દ્ર બનશે.
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી એ વિકાસને જનઆંદોલન બનાવી કચ્છમાં ‘રિવર્સ માઇગ્રેશન’ની સ્થિતિ પેદા કરી છે. એક સમયે રોજગારી માટે બહાર જતો કચ્છી આજે અન્ય રાજ્યોના લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. હસ્તકલાથી શરૂ થયેલી કચ્છની સફર આજે હેવી ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચી છે.
આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે કચ્છને રણ, દરિયો અને ડુંગરનો ત્રિવેણી સંગમ મળ્યો છે, જે રોકાણકારો માટે અનેક તકો ખોલે છે. દીનદયાળ પોર્ટના ચેરમેન શ્રી એસ.કે. સિંગે કચ્છના પોર્ટ અને મેરીટાઇમ સેક્ટરના મહત્વ પર પ્રકાશ પાડતા રોકાણકારોને ગ્રીન હાઈડ્રોજન પાર્કમાં જોડાવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમની મુખ્ય વિગતો કુલ MoU: 334 MSME એકમો.કુલ રોકાણ: રૂ. 8500 કરોડ.ગ્રીન હાઈડ્રોજન, રીન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ, એડવાન્સ મરીન કેમિકલ્સ અને સેમિકન્ડક્ટર કમ્પોનન્ટ્સ.ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ (ઇવેન્ટ પાર્ટનર), દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (વેન્યુ પાર્ટનર), ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન (નોલેજ પાર્ટનર).કચ્છ કલેક્ટર આનંદ પટેલે સ્વાગત પ્રવચન કરતા કચ્છને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કચ્છ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ તેજાભાઈ કાનગડે આભારવિધિ કરી હતી.
