વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટ-કચ્છ અંતર્ગત તેલીબિયા ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો વિશે સેમિનાર યોજાયો
Live TV
-
રાજકોટ - સૌરાષ્ટ્ર-કચ્છ'ના ભાગરૂપે મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે "AgriValue - The Oilseed Opportunity" (એગ્રીવેલ્યુ - તેલીબિયા ક્ષેત્રમાં રહેલી તકો) વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતો, ઉદ્યોગ સાહસિકોએ સૌરાષ્ટ્ર અને કચ્છના કૃષિ અર્થતંત્રને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મંથન કર્યું હતું.
સેમિનારની શરૂઆતમાં ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવ આર.સી. મીના દ્વારા ઉપસ્થિત મહાનુભાવોઓ અને પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં તેલીબિયાના મહત્વ અને સરકારની ભવિષ્યની યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
ઇન્ડિયન ઓઈલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન ઋતુપર્ણ ડોલે દ્વારા 'સીડ્સ ઓફ પ્રોસ્પેરિટી' વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે તેલીબિયાની ક્ષમતાને ખરા અર્થમાં ઉજાગર કરવા અને ગુણવત્તાયુક્ત બિયારણના મહત્વ પર ભાર મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલીબિયાંની નિકાસમાં આર્જેન્ટીનાના મોડલ વિશે CIARA-CECના પ્રમુખ ગુસ્તાવો ઈડિગોરાસએ વર્ચ્યુઅલી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક નિકાસ માટેના જરૂરી પગલાંઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા. ICAR-ગ્રાઉન્ડનટ રિસર્ચના ડીરેક્ટર ડૉ. સંદીપ બેરાએ વાતાવરણના પરિવર્તન સામે ટકી શકે તેવી ખેતી અને ગુજરાતમાં તેલીબિયાની સુરક્ષા વિશે ટેક્નિકલ માહિતી આપી હતી."અન્વેષણ"ના સ્થાપક અને CEO કુલદીપ પારેવાએ ટકાઉ ભવિષ્ય માટે તેલીબિયા ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો અને એગ્રી-ઇનોવેશન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેલીબિયા ક્ષેત્રના વિકાસ અને ટેક્નોલોજીના આદાન-પ્રદાન માટે વિવિધ સંસ્થાઓ વચ્ચે MoU થયા હતા.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત આયોજિત સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય તેલીબિયા પાકોના ઉત્પાદનથી લઈને તેના મૂલ્યવર્ધન (Value Addition) સુધીની સફરમાં રહેલી આર્થિક સંભાવનાઓને ઉજાગર કરવાનો હતો. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં મગફળી, એરંડા વગેરે તેલીબિયાના પાકોનું વાવેતર થાય છે. આ તેલીબિયાના પાકોના સીધા જ વેચાણ કરતાં ખેડૂતો દ્વારા જો મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવામાં આવે તો તેના દ્વારા નોંધપાત્ર આવક રળી શકાય છે. આ સેમિનારમાં તેલીબીયા પાકોમાંથી કેવી રીતે તેલ અને અન્ય બાય-પ્રોડક્ટ્સ બનાવીને વધુ નફો મેળવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. આધુનિક ટેક્નોલોજીથી ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલ્ડ-પ્રેસ્ડ ઓઈલ-ઘાણીનું તેલ અને આધુનિક રિફાઈનિંગ પ્રોસેસ વિશે માહિતી આપવામાં આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે. માત્ર મૂલ્યવર્ધન જ નહીં પણ કેવી રીતે વિશ્વના દેશો સુધી સંલગ્ન પ્રોડક્ટ પહોંચાડી શકાય તે માટેની લોજિસ્ટિક્સ સુવિધાઓ પર ચર્ચા થઈ હતી. સેમિનાર દરમિયાન તેલીબિયા પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સેમિનારના અંતે સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એમ.પી. પંડ્યા દ્વારા તમામ વક્તાઓ, અધિકારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
