વાયુ વાવાઝોડાના કારણે જાણો રાજ્યના ક્યાં જીલ્લા અને તાલુકાઓમાં થયો વરસાદ
Live TV
-
રાજયના 28 તાલુકાઓમાં ગઈકાલે બપોરના 4 વાગ્યા સુધીમાં નોંધનીય વરસાદ થયો હતો, જેમાં 12 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
વાયુ વાવાઝોડુના કારણે રાજ્યના દરિયા કિનારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જે પૈકી રાજયના 28 તાલુકાઓમાં ગઈકાલે બપોરના 4 વાગ્યા સુધીમાં નોંધનીય વરસાદ થયો હતો.
જેમાં 12 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલભીપુર આમ કુલ 12 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગારીયાધાર, ઉના, બરવાળા, માંગરોળ, ગીર ગઢડા, લીલીયા, સાવરકુંડલા, તાલાળા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, નસવાડી, નવસારી, ચોર્યાસી અને જલાલપોર મળી કુલ 16 તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનિય છે કે અમરેલીના જાફરાબાદ અને ખાંભા ખાતે સૌથી વધારે 35 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગરના જોડીયા 1 મીલીમીટર અને કચ્છના અબડાસામાં 2 મીલીમીટર વરસાદ નોંધાયો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ વાયુ વાવાઝોડાથી અસર સામાન્ય બનતા ધીમી ગતિએ પવન અને વરસાદ વરસી રહ્યો છે. ખાસ મહુવા કે જ્યાં સૌથી વધુ વાવાઝોડું પ્રભાવિત કરી શકે તેમ હતું, ત્યાં સંકટ ટળતાં હાલ વરસી રહેલા વરસાદ અને ધીમી ગતિના પવનના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી છે. ધીમે ધીમે મહુવાનું જનજીવન સામાન્ય બની રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રોડ તથા ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી પડી હતી.
ગીર સોમનાથમાં રાતભર વરસાદ પડ્યાં બાદ આખરે વિરામ લીધો છે. ધીમીધારે વરસતા વરસાદના કારણે મગફળીના વાવેતરને જીવનદાન મળ્યું છે. હાલ ઠંડા પવનોનું જોર યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં ત્રણ, કોડિનારમાં બે, સૂત્રાપાડા અને તાલાલામાં છ ઈંચ વરસાદ પડ્યો છે. ઉના અને ગીર ગઢડામાં એક એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક દુકાનોમાં અને સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશહાલ થયા છે.
