શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ અદ્યતન વ્યવસ્થાથી સજ્જ વાંચનાલયનુ કર્યુ લોકાર્પણ
Live TV
-
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સંબોધન આપતા જણાવ્યું હતું કે, પુસ્તક એ સાચો મિત્ર છે અને પુસ્તક એ આપણી જરૂરિયાત છે જીવનની કારકીર્દી બનાવવામાં પુસ્તક હર હંમેશ ઉપયોગી નીવડે છે.
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો તેમજ અન્ય વાંચક વર્ગ શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન કરી શકે તેવા હેતુથી સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા આ અદભુત વાંચનાલયની સ્થાપના કરવામાં આવી છે. જેનો લાભ ગુજરાતનો દરેક વિદ્યાર્થી અને અન્ય વાચકવર્ગ પણ કરે તે અંગે મંત્રીએ લોકોને આહ્વાન કર્યું હતું.
સર્વાંગી સમાજનો વિકાસ થાય તે હેતુથી આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શિક્ષણક્ષેત્રે અથાક પ્રયત્નો કરી રહ્યા છે જેનું પરિણામ આપી સૌ નિહાળી રહ્યા છીએ તેમ તેઓએ જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે વાંચનાલયમાં જોડાવા ઉત્સુક અંદાજીત 500 ઉમેદવારોએ મંડળના નિયત ફોર્મ સાથે અરજી કરેલ તે પૈકીના અંદાજીત 100 જેટલા વાચકો એકસાથે વાંચન કરી શકે તેવું અદ્યતન ફર્નિચર, વોશરૂમ, સિક્યુરિટી જેવી અદ્યતન વ્યવસ્થાથી સજ્જ વાતાનુકુલીન વાંચનાલય ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વાંચનાલયમાં વાંચકોને નજીવા દરે વાંચનની સવલત પૂરી પાડવામાં આવનાર છે જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની વાત છે.
ગુજરાત રાજ્યના મંત્રી જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે વાંચનાલયમાં વિદ્યાર્થીઓને એક જગ્યાએથી તમામ પ્રાપ્ત થઈ જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને પુસ્તકો શોધવામાં અગવડ ન પડે.
અંતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 'ગ્રંથમંદિર' માંથી વિદ્યાર્થી અને શાળાઓ તેમજ વિક્રેતાઓને પાઠ્યપુસ્તકો સરળતાથી સુલભ બને તથા વાંચનાલયના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો જીવન ઉજ્જવળ બને તેવી અપેક્ષા સાથે તેઓએ તમામ વિદ્યાર્થીઓ અને વાંચકવર્ગને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ, અને ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
