શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ જિલ્લા તાલીમ ભવન ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જિલ્લા તાલીમ ભવન ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકની શરૂઆતમાં તેમણે શહીદ સ્મારક અને મેઘાણી સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા.
બેઠકમાં શિક્ષણને સામાજિક જવાબદારી ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના બજેટમાં મોટો હિસ્સો ધરાવતા શિક્ષણ વિભાગની નૈતિક જવાબદારી પણ એટલી જ મોટી છે. તેમણે ઉમેર્યું હતું કે, છેવાડાના બાળકને પણ ઘરની નજીકના અંતરે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે.વધુમાં મંત્રીએ તમામ અધિકારીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, માત્ર ડેટા અપલોડ કરવાને બદલે બાળકોમાં વાંચન, લેખન અને ગણનની પાયાની ક્ષમતા વિકસે તે જોવું અનિવાર્ય છે.
સ્માર્ટ બોર્ડ અને ટેકનોલોજીનો ઉપયોગ પ્રદર્શન માટે નહીં પણ જટિલ વૈજ્ઞાનિક પ્રયોગો સમજાવવા માટે થવો જોઈએ. આ ઉપરાંત, દીકરીઓની સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સ અને સેનેટરી નેપ્કિન જેવી યોજનાઓની ગ્રાન્ટ લેપ્સ ન થાય તેની તકેદારી રાખવા જરૂરી સૂચનો કર્યા હતાં. મધ્યાહન ભોજનમાં 'પેરેન્ટિંગ ભાવના' રાખીને ઉત્તમ ખોરાક પીરસવા અને નવા બાંધકામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી.
નવી શિક્ષણ નીતિ - NEPના અમલીકરણ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, વોકેશનલ ટ્રેનિંગ એ માત્ર ફન એક્ટિવિટી નથી પરંતુ ભવિષ્યની રોજગારીનો પાયો છે. સરકાર આ તાલીમને સર્ટિફિકેશન અને વેલિડેશન સાથે જોડી રહી છે. નવી શિક્ષણ નીતિ અને 'નમો લક્ષ્મી' જેવી યોજનાઓ દ્વારા ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં લાવવા તેમણે આહવાન કર્યું હતું.બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા અને પ્રાચાર્ય સી.ટી. ટુંડીયાએ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની શૈક્ષણિક પ્રવૃતિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
