શ્રાવણમાં મેધરાજાનો શ્રીકાર, રાજ્યમાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા
Live TV
-
રાજયમાં શ્રાવણ માસમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. અને વહેલી સવારથી અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદથી ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 1 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં દસ્ક્રોઇમાં પોણા 9 ઇંચ, મહેમદાવાદમાં સવા 6 ઇંચ, કઠલાલ અને નડિયાદમાં પોણા ચાર ઇંચ તેમજ માતરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ આજે રાજ્યના 51 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ આપવામાં આવેલ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
