સમગ્ર ગુજરાતમાં તળાજા આઇ.ટી.આઇ. પ્રથમ ક્રમે
Live TV
-
ભાવનગર જિલ્લાના આઇ.ટી.આઇ. તળાજાએ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ આઇ.ટી.આઇ. તરીકે પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યની 288 સરકારી આઇ.ટી.આઇ. વચ્ચે યોજાતી શ્રેષ્ઠ આઇ.ટી.આઇ. સ્પર્ધામાં વર્ષ 2023-24 માટે તળાજા આઇ.ટી.આઇ.એ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. અગાઉ ભાવનગર જિલ્લા અને રાજકોટ રીજનલ લેવલે પણ સંસ્થાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા, સચિવ લોચન સહેરા IAS તથા નિયામક નીતિન સાંગવાન IASની ઉપસ્થિતિમાં સંસ્થાને પ્રશસ્તિપત્ર સાથે રૂ. 11 લાખનું પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં તાલીમની ગુણવત્તા, એડમિશન ટકાવારી, ઉદ્યોગો સાથેના સંકલન, એક્સપર્ટ લેક્ચર, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ, રોજગારી, સંસ્થાનું પરિણામ અને સરકારી ગ્રાન્ટના પારદર્શક ઉપયોગ સહિત 27 જેટલા કડક માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમામ માપદંડોમાં ઉત્તમ કામગીરી દર્શાવી ITI તળાજાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સંસ્થાના આચાર્ય જયકુમાર મનજીભાઈ દવેએ જણાવ્યું હતું કે નાનકડા તાલુકાની સંસ્થાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવું ગૌરવની બાબત છે. તેમણે આ સફળતા માટે સ્ટાફ, ઉદ્યોગગૃહો, તાલીમાર્થીઓ, વાલીઓ અને તળાજા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ઈન્સ્ટ્રક્ટર ઋષિ દવે અને દિલીપ પંડ્યાની વિશેષ કામગીરીને પણ બિરદાવી હતી. હાલમાં ITI તળાજામાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી વધુમાં વધુ યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ મેળવી રોજગારી તરફ આગળ વધવા આહવાન કરવામાં આવ્યું છે.
