સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના તબીબોની કમાલ: યુવાનના હાથમાં ઘુસી ગયેલો લોખંડનો કાટવાળો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો
Live TV
-
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ જટિલ ઓપરેશન કરી યુવાનને આપ્યું નવજીવન. ખાનગી હોસ્પિટલમાં હજારોના ખર્ચે થતી સર્જરી જનરલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરવામાં આવી
સુરેન્દ્રનગરની જનરલ હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબોની ટીમે ફરી એકવાર પોતાની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા અને માનવીય અભિગમનો પરિચય આપ્યો છે. તાજેતરમાં હોસ્પિટલ ખાતે એક અત્યંત જટિલ અને ગંભીર કહી શકાય તેવો કેસ સામે આવ્યો હતો, જેમાં એક યુવાન દર્દીના હાથની હથેળી અને આંગળીઓના ભાગે લોખંડનો તીક્ષ્ણ અને કાટવાળો સળિયો ગંભીર રીતે આરપાર ધસી ગયો હતો. આ અસહ્ય પીડાજનક સ્થિતિમાં સળિયો કાટવાળો હોવાને કારણે શરીરમાં ચેપ, ધનુષ કે ગેંગરીન જેવી જીવલેણ સમસ્યાઓ સર્જાવવાનું મોટું જોખમ હતું.
કેસની ગંભીરતા અને કટોકટીને સમજીને સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ. મનીષ અગ્રવાલ અને ડો. વિપુલ એમ. ઝરમરીયા અને તેમની ટીમે તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. આ સર્જરી અત્યંત પડકારજનક હતી, કારણ કે સળિયો એવી રીતે ફસાયો હતો કે સહેજ પણ બેદરકારી હાથની નસો અને સ્નાયુઓને કાયમી નુકસાન પહોંચાડી શકે તેમ હતી. તબીબોએ અત્યંત સાવચેતીપૂર્વક અને સચોટ તકનીકનો ઉપયોગ કરી નસો અને પેશીઓને સુરક્ષિત રાખીને સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. સળિયો કાઢ્યા બાદ ઘાની સંપૂર્ણ સફાઈ કરી, હાથની રચના પૂર્વવત કરવા જરૂરી ટાંકા અને અન્ય તબીબી સારવાર આપવામાં આવી હતી.
ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની જટિલ સર્જરી માટે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જે સામાન્ય પરિવાર માટે મોટો બોજ બની જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી નીતિને પગલે આ સમગ્ર સર્જરી જનરલ હોસ્પિટલ ખાતે તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે. અગાઉ પણ આ હોસ્પિટલમાં એક ૭૦ વર્ષીય વૃદ્ધાના થાપાના ગોળાનું સફળ ઓપરેશન કરી તેમને નવજીવન આપવામાં આવ્યું હતું, જે હોસ્પિટલની સતત વધતી જતી વિશ્વસનીયતાનો પુરાવો છે.
સફળ સર્જરી બાદ હાલ યુવાનની હાલત સ્થિર છે અને તે તબીબોની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના સંકલિત પ્રયાસોથી મળેલી આ સફળતા બદલ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારે સમગ્ર સર્જરી ટીમ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, યુવાનના પરિવારજનોએ પણ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલની આ સેવાથી તેમના પુત્રનો હાથ કાયમી ખોડખાંપણમાંથી બચી ગયો છે.
