Skip to main content
Settings Settings for Dark

સમાજના અંતિમ છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Live TV

X
  • બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિના પાવન અવસરે ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં આજે લોકભવન-ગાંધીનગર ખાતે “સામાજિક સમરસતા મહોત્સવ” યોજાયો હતો.

    આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, બાબા સાહેબે માત્ર બંધારણનું નિર્માણ જ નહીં, પરંતુ દેશની આધુનિક પ્રગતિ અને સામાજિક ન્યાયનો મજબૂત પાયો નાખ્યો છે. બાબા સાહેબે ભગવાન બુદ્ધના "ભવતુ સબ્બ મંગલમ્"ના સિદ્ધાંતને અનુસરીને સમતાવાદી સમાજ રચવા 'સમતા' સમાચાર પત્ર દ્વારા જનજાગૃતિ ફેલાવી હતી. રાષ્ટ્રપતિએ સામાજિક સમરસતા, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, સમાજના અંતિમ છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા છે. બાબા સાહેબે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરેલા 'પ્રતિષ્ઠા અને તકની સમાનતા' શબ્દ જ આપણું અંતિમ લક્ષ્ય છે.

    બાબા સાહેબના "શિક્ષિત બનો"ના સંદેશ પર ભાર મૂકતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, શિક્ષણ જ વિકાસની સાચી ચાવી છે. બંધારણમાં શિક્ષણને મૌલિક અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો છે. ખાસ કરીને વંચિત અને પછાત વર્ગોના લોકો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રેરાય તે સૌની સહિયારી જવાબદારી છે. તેમણે નૈતિક શિક્ષણ દ્વારા સામાજિક સમરસતાના ભાવને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.રાષ્ટ્રપતિએ ગામડાંઓને ભારતીય સંસ્કૃતિના વાહક ગણાવતા કહ્યું કે, દેશનો આત્મા ગામડાઓમાં વસે છે. સમરસ ભારતીય સમાજનું નિર્માણ સમરસ ગામડાંઓ વગર શક્ય નથી. ગામડાઓમાં આજે પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવોથી ઉપર ઉઠીને જે પરસ્પર સ્નેહ અને સૌહાર્દ જોવા મળે છે, તે જ સાચી ભારતીયતા છે. જ્યારે ગામડાં આત્મનિર્ભર અને સુવિધાયુક્ત બનશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત બનશે.

    પોતાના પિતાજીના બોધપાઠને યાદ કરતા રાષ્ટ્રપતિએ ભાવુક થતા જણાવ્યું હતું કે, જ્યારે હું ભણતી હતી ત્યારે મારા પિતા કહેતા કે - ગમે તેટલા મોટા બનો, પણ હંમેશા વળીને એ જરૂર જોજો કે કોઈ જરૂરિયાતમંદ પાછળ ન રહી જાય. તમારી વ્યક્તિગત સફળતા ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે તે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં કામ આવે.ગુજરાતના ડેરી ઉદ્યોગ અને પશુપાલકોના પરિશ્રમની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે, જેમાં ગુજરાતની સહકારી સંસ્થાઓ તથા પશુપાલકોની ભૂમિકા અગ્રણી છે. તેમણે ઓડિશામાં પશુપાલન મંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન 'ગૌ-મિત્ર' પદના સર્જન અને ગૌ-સેવા દ્વારા રોજગારી વધારવાના પ્રયોગોના સંસ્મરણો પણ આ તકે વાગોળ્યા હતા.

    રાષ્ટ્રપતિએ ગુજરાતમાં ચાલી રહેલા સામાજિક સમરસતાયુક્ત સર્વસમાવેશી વિકાસના પ્રયાસો માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતના લોકો પોતાની મહેનતથી રાજ્યને સંપૂર્ણપણે વિકસિત અને આત્મનિર્ભર બનાવશે. સામાજિક લોકશાહીને જીવન પદ્ધતિ તરીકે અપનાવીને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યોને જીવંત રાખવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિના અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દેશના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિને ગૌરવપૂર્ણ ગણાવતા જણાવ્યું હતું કે, તેમનું જીવન સંઘર્ષ અને તપસ્યાનું પ્રતીક છે. ખાસ કરીને આદિવાસી સમાજમાં શિક્ષણનો રાહ ચીંધીને તેમણે દીકરીઓ માટે પથપ્રદર્શકનું કાર્ય કર્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષણનો રસ્તો અપનાવીને તેમજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ભારતના બંધારણના નિર્માણ દ્વારા શોષિતો અને વંચિતોને નવી દિશા આપી હતી. બાબાસાહેબનું સ્પષ્ટ માનવું હતું કે ન્યાય, ભાઈચારો અને સમરસતા જ રાષ્ટ્રને મજબૂત બનાવે છે.વેદો અને શાસ્ત્રોનો સંદર્ભ આપતા રાજ્યપાલએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે, સમય જતાં સમાજમાં પ્રવેશેલા કુરિવાજોને દૂર કરવા સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી અને જ્યોતિબા ફૂલે જેવા મહાપુરુષોએ અનેક કાર્યો કર્યા હતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'અંત્યોદય'ના વિચાર સાથે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે, જેથી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર અને વિકસિત બની શકે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply