સરકારી સહાયથી નર્સરી ઉભી કરી લાખણીનો ખેડૂત બન્યો આત્મનિર્ભર
Live TV
-
બાગાયત વિભાગની 2.27 લાખની સહાયથી કેસરસિંહ ગોળિયા ગામે નર્સરી શરૂ કરી ટમેટા, મરચાં, કોબીજ, ફૂલાવર અને ગલગોટાના ગુણવત્તાયુક્ત ધરુંનું ઉત્પાદન અને વેચાણ
રાજ્ય સરકારની બાગાયત ક્ષેત્રની વિવિધ યોજનાઓ ખેડૂતો માટે સ્વરોજગારની નવી તકો ઊભી કરી રહી છે. આવી જ એક સફળ પહેલનું ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આવેલા લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે જોવા મળ્યું છે. અહીં એક ખેડૂતે રાજ્ય સરકારની સહાયથી પોતાના ખેતરમાં નર્સરી સ્થાપી વિવિધ શાકભાજી અને ફૂલપાકોના ગુણવત્તાયુક્ત ધરુંનું ઉત્પાદન શરૂ કર્યું છે અને તેના વેચાણ થકી સ્વરોજગાર મેળવી આત્મનિર્ભર બન્યા છે.
₹2.27 લાખની સરકારી સહાયથી નર્સરીની સ્થાપના
વાવ-થરાદ જિલ્લામાં બાગાયત વિભાગની સ્વરોજગાર નર્સરી યોજના અંતર્ગત કેસરસિંહ ગોળિયા ગામના ખેડૂતને નર્સરીની સ્થાપના માટે ₹2,27,500ની સરકારી સહાય આપવામાં આવી હતી. આ સહાયનો ઉપયોગ કરીને ખેડૂતે પોતાના ખેતરમાં નર્સરી ઉભી કરી અને વિવિધ પાકોના ધરું તૈયાર કરવાનું શરૂ કર્યું છે.
નર્સરીમાં હાલ ટમેટા, મરચાં, કોબીજ, ફૂલાવર, ગલગોટા સહિતના વિવિધ શાકભાજી અને ફૂલપાકોના ગુણવત્તાયુક્ત ધરું તૈયાર કરવામાં આવે છે.
આસપાસના ખેડૂતોને ધરુંનું વેચાણ
નર્સરીમાં તૈયાર કરવામાં આવતા ગુણવત્તાયુક્ત ધરુંનું આસપાસના ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે. સ્થાનિક સ્તરે જ વિવિધ પાકોના ધરું ઉપલબ્ધ થતા આસપાસના ખેડૂતોને પણ તેનો લાભ મળી રહ્યો છે.
બીજી તરફ, ધરુંના ઉત્પાદન અને વેચાણ થકી નર્સરી સંચાલક ખેડૂતને સ્વરોજગાર અને આવકનો નવો સ્ત્રોત મળ્યો છે. સરકારી યોજનાનો લાભ મેળવી પોતાના ખેતરમાં નર્સરી ઉભી કરીને ખેડૂતે આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
બાગાયત વિભાગની ટીમે નર્સરીની સ્થળ મુલાકાત લીધી
નર્સરીની કામગીરી તેમજ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેની માહિતી મેળવવા માટે બાગાયત વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમે કેસરસિંહ ગોળિયા ગામે સ્થળ મુલાકાત લીધી હતી.
અધિકારીઓએ નર્સરીની કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ખેડૂત સાથે સંવાદ કરીને નર્સરીમાં કયા પ્રકારના ધરું તૈયાર કરવામાં આવે છે, ઉત્પાદન અને વેચાણની સ્થિતિ કેવી છે તેમજ નર્સરીની કામગીરી દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી.
અધિકારીઓએ નર્સરીમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી ખેડૂત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.
અધિકારીઓએ ખેડૂતની કામગીરીને બિરદાવી
સ્થળ મુલાકાત દરમિયાન વાવ-થરાદ જિલ્લા બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામક મુકેશભાઈ બી. ગાલવાડિયા, મહેસાણા સંયુક્ત બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી પી. બી. ચૌધરી તેમજ લાખણીના બાગાયત અધિકારી એમ. સી. ચૌધરી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.
અધિકારીઓએ નર્સરીની કામગીરીનું નિરીક્ષણ કરી સરકારની સહાયનો યોગ્ય રીતે ઉપયોગ કરીને સ્વરોજગાર ઊભો કરનાર ખેડૂતના પ્રયાસોને બિરદાવ્યા હતા.
ખેડૂતોને સ્વરોજગાર માટે બાગાયત યોજનાઓનો લાભ લેવા અપીલ
બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને બાગાયત ક્ષેત્રમાં સ્વરોજગારની તકો ઊભી કરવા તેમજ સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત રોપા અને ધરું ઉપલબ્ધ કરાવવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
કેસરસિંહ ગોળિયા ગામની આ નર્સરી સરકારની યોજના હેઠળ મળતી સહાયનો યોગ્ય ઉપયોગ કરીને કેવી રીતે સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકાય તેનું સફળ ઉદાહરણ બની છે.
