સાબરમતી નદીના પૂરથી ખેડા તાલુકાના ગામો જળમગ્ન, ખેડૂતોને ભારે નુકસાન
Live TV
-
સાબરમતી નદીના પૂરથી ખેડા તાલુકાના ગામો જળમગ્ન, ખેડૂતોને ભારે નુકસાન
સાબરમતી નદીમાં જળસ્તર વધતા ખેડા તાલુકાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પઠાપુર અને રસિકપુરા જેવા ગામોમાં નદીના નીર ફરી વળતા "જ્યાં સ્થળ ત્યાં જળ" જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોડી રાત્રે નદીમાં પાણીનો પ્રવાહ વધતા પઠાપુર ગામ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું હતું.
આ પરિસ્થિતિના કારણે ખેડાથી ધોળકાને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે, જેને પગલે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. રોડની આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાણી ભરાઈ જતા તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાબરમતી નદીમાં આ બીજી વાર પૂર આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
બીજી તરફ, રસિકપુરા ગામમાં નાના બાળકો પાણીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. રસિકપુરા પ્રાથમિક શાળાની બહાર બાળકો પાણીમાં છબછબિયા કરતા નજરે પડ્યા હતા. આ સમગ્ર પરિસ્થિતિના અવકાશી દ્રશ્યો ડીડી ન્યૂઝ દ્વારા પણ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં રસિકપુરા ગામનો વિસ્તૃત નજારો જોવા મળ્યો હતો.
