સિવિલ હોસ્પિટલમાં થયું વધુ એક અંગદાન, બ્રેઇનડેડ દર્દીનાં હૃદય, ફેફસાં સહિત 4 અંગોનું પરિવારે કર્યું દાન
Live TV
-
સિવિલ હોસ્પિટલમાં આજે 52મું અંગદાન થયું છે. મહીસાગર જીલ્લાના લુણાવાડાના 25 વર્ષીય જયેશ નટ બ્રેઇનડેડ થતા પિતાએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો. જયેશને 10 એપ્રિલે માર્ગ અકસ્માતમાં માથાનાં ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થયું હતું. જયેશને ગંભીર ઇજામાંથી ઉગારવાના ધરખમ પ્રયાસો સિવિલ હોસ્પિટલના તબીબો અને પરિવારજનોએ કર્યાં પરંતુ જીવન અને મરણ વચ્ચેના કાળ સમયમાં 11 એપ્રિલના રોજ 8:46 કલાકે તબીબોએ જયેશને બ્રેઇનડેડ જાહેર કર્યા. પિતા ધૂળાભાઇને જ્યારે તબીબોએ બ્રેઇનડેડના સમાચાર આપ્યા ત્યારે પિતાના આંસુ રોકાયે રોકાતા ન હતા પણ તેવામાં દિકરા પ્રત્યેની લાગણીથી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દિકારાના અંગોના દાંન કરવાનો પવિત્ર નિર્ણય કર્યો.
પિતા ધૂળાભાઇએ અંગદાન માટે હા પાડતા સિવિલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જયેશભાઇના અંગોને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. કલાકોની ભારે જહેમત બાદ બ્રેઇનડેડ જયેશનાં હ્રદય, ફેફસાં, એક કિડની અને લીવરનું દાન મળ્યું. હ્રદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં અને ફેફસાને મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર મારફતે જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે ગણતરીની મિનિટોમાં મોકલવામાં આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં હ્રદય અને ફેફસાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ અત્યંત ગંભીર અને જટીલ હોય છે. ગણતરીનાં કલાકોમાં જ આ બંને અંગોને પ્રત્યારોપણ માટે સામેના વ્યક્તિ સુધી પહોંચાડવા ગ્રીન કોરિડોરની મદદ લેવી પડતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૫૨ અંગદાતાઓ થકી મળેલા 158 અંગોમાંથી 8 હ્રદય અને 8 ફેફસાનું દાન મેળવવામાં સફળતા મળી છે.
