સુરત: આગકાંડમાં મૃત્યુઆંક વધીને 22, ફાયરના બે અધિકારીઓ સસ્પેન્ડ
Live TV
-
ચીફ ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તિ મોઢ સસ્પેન્ડ
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે સાંજે ચાર વાગે તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં મૃત્યુ આંક 22 પર પહોંચ્યો છે અને 15 થી વધુ લોકો હજુ પણ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. સુરત પોલીસે શુક્રવારે રાત્રે બે બિલ્ડર અને ટયુશન કલાસના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાંથી ટયુશન કલાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. શનિવારે બિલ્ડર હરસુખ વેકરિયા અને જીગ્નેશ પાગડાળ વિરૂદ્ધ ગુનો નોંધી, હરસુખ વેકરિયાને પકડી પાડી, તેમની ધરપકડ કરી છે. શનિવારે સવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ઘટના સ્થળની મુલાકાત બાદ, સારવાર લઈ રહેલા લોકોની મુલાકાત કરી હતી અને સાંત્વના આપી હતી. અગ્ર સચિવ મુકેશ પૂરીએ ઘટનાસ્થળની તપાસ કરી હતી અને ત્યારબાદ વધુ તપાસના હુકમો આપ્યા હતા. ગુજરાતના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ તેમને સાંત્વના આપી હતી. બીજી તરફ, સુરત મહાનગર પાલિકાના કમિશનરે, ચીફ ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કર્યા હતા. શુક્રવારની રાતે મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ, તક્ષશિલા આર્કેડ પાસે મુલાકાત લઈ , ઘાયલ થયેલાની હોસ્પિટલમાં મુલાકાત કરી હતી અને મૃતકોના પરિવાર માટે રૂપિયા ચાર લાખની સહાય તથા ઈજા પામેલાઓને નિઃશુલ્ક સારવાર આપવાનો આદેશ કર્યો હતો
