સુરત: પરંપરાગત ખેતી છોડી કામરેજના ખેડૂત ભાઈઓએ અપનાવ્યું 'ફ્યૂચરિસ્ટીક ફાર્મિંગ'
Live TV
-
દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ ભૂમિમાં હવે ખેડૂતો માત્ર ડાંગર કે શેરડી પર નિર્ભર ન રહેતા આધુનિક અને બજારલક્ષી ખેતી તરફ વળ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પરંપરાગત ખેતીની સાથે 'વેલ્યુ એડેડ' ખેતી અને ખેડૂતોની આવક બમણી કરવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામના બે ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક ખેતીમાં એક કદમ આગળ વધીને 'ફ્યૂચરિસ્ટીક ફાર્મિંગ' અપનાવી નવી રાહ ચીંધી છે.રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ અને નિયમોને આધીન, ઉંભેળના ખેડૂત ભાઈઓએ કુદરતી અને સ્વાસ્થ્યવર્ધક પીણું 'નીરા'નાં ઉત્પાદન અને વેચાણ થકી મબલખ કમાણી કરવાનું શરૂ કર્યું છે. વર્ષોથી ખેતી સાથે જોડાયેલા હેમંત પટેલ અને રાજેશ પટેલે અગાઉ પરંપરાગત રીતે શાકભાજી, શેરડી અને ડાંગરની ખેતી કરતા હતા.આજથી 10 વર્ષ પહેલાં તેમણે ખેતરના શેઢે માત્ર 10 ખજૂરી વાવી હતી. છેલ્લા પાંચ વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન શરૂ થતા તેમને માત્ર એક જ સિઝનમાં ખૂબ સારી આવક મળી હતી. આ સફળતાને જોતા, આગામી 10 થી 15 વર્ષનો દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિચાર કરીને તેમણે 8 વીઘા જમીનમાં 3500 ખજૂરીના વૃક્ષોનું વાવેતર કર્યું છે.
આજની પેઢી જે કેમિકલયુક્ત ઠંડા પીણાં તરફ વળી છે, તેની સામે 'નીરો' એક શ્રેષ્ઠ કુદરતી અને પૌષ્ટિક વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. હાલમાં તેઓ દરરોજ 100 ખજૂરીમાંથી અંદાજિત 180 થી ૨૦૦ લીટર નીરાનો ઉતારો મેળવી રહ્યા છે. આગામી વર્ષ સુધીમાં દૈનિક 1000 થી 1200 લીટર ઉત્પાદન મેળવવાનો તેમનો નિર્ધાર છે.સરકારની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ શુદ્ધતા સાથે આરોગ્યવર્ધક નીરાનું વેચાણ કરવામાં આવે છે. વહેલી સવારથી જ બારડોલી, તાપી, નવસારી અને ખાસ કરીને વિદેશથી આવતા NRI (બિનનિવાસી ભારતીયો) પણ આ શુદ્ધ 'અમૃત' સમાન નીરો પીવા માટે ઉંભેળ ગામની મુલાકાત લઈ રહ્યા છે.
