સુરત : વર્ષ 2023 દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 985 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરાયા
Live TV
-
પોલીસ કમિશ્નર અજય તોમરની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશ્નર કચેરીના કોન્ફરન્સ હોલમાં સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પોલીસ કમિશ્નરે માર્ગ સલામતિ સપ્તાહની કરવામાં આવી રહેલી ઉજવણી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે પણ વિગતે ચર્ચા કરી હતી. સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી માસમાં 650 રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા જે પૈકી 407 પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા, તેમજ રૂ.5.68 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં વર્ષ 2023 દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 985 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી જે મુદ્દાની ચર્ચા કરતા કમિશ્નરે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ પર 108 ઈમર્જન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા નર્મદ યુનિ. અને એસ.વી.એન.આઈ.ટી દ્વારા સંયુકત રીતે ટ્રાફિક નિયમન અંગે અધ્યયન કરી એક પ્રેઝન્ટેશન રજૂ કરે એ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
