સુરેન્દ્રનગરના રણમાં વસતા અગરીયા પરિવારો માટે આવાસ યોજનાની તૈયારી: શ્રમ વિભાગની સઘન સમીક્ષા
Live TV
-
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડના સભ્ય સચિવ અને ગુજરાત રાજ્યના અધિક શ્રમ આયુક્ત ડૉ. વાય. એમ. શેખની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડા તાલુકાના રણ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત યોજાઈ હતી.
આ મુલાકાત દરમિયાન શ્રમ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે રણ વિસ્તારમાં જઈને મીઠું પકવવાનું કપરૂં કામ કરતા અગરીયા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
આ પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન અધિક શ્રમ આયુક્ત અને તેમની ટીમ દ્વારા દસાડા અને ધ્રાંગધ્રા તાલુકાના રણ વિસ્તારમાં વસતા અગરીયાઓની હાલની પરિસ્થિતિનું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અગરીયાઓને ખુલ્લા રણમાં અતિ વિષમ હવામાન વચ્ચે ઝૂંપડાં બાંધીને રહેવામાં પડતી મુશ્કેલીઓ, તેમજ પીવાનું શુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો મેળવવામાં પડતી રોજિંદી સમસ્યાઓનો સ્થળ પર જઈને ગહન અભ્યાસ કરવામાં આવ્યો હતો.આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી સમયમાં ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકાનાર વિશિષ્ટ 'આવાસ યોજના'ની પૂર્વતૈયારીઓના ભાગરૂપ હતો. રણ વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવતા અગરીયાઓ માટેના આ આવાસ પ્રોજેક્ટથી શ્રમિકોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ યોજનાના અત્યંત અસરકારક અને સફળ અમલીકરણ માટે રણની ભૌગોલિક પરિસ્થિતિ, અગરીયાઓની વાસ્તવિક જરૂરિયાતો અને તેમના રહેઠાણના સ્થાનોની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક આકલન કરવામાં આવ્યું છે.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મદદનીશ શ્રમ આયુક્ત એસ.એ.ભપલ, સરકારી શ્રમ અધિકારી, શ્રમતંત્રના અન્ય કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
