Skip to main content
Settings Settings for Dark

સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

Live TV

X
  • ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુ વાઘાણીએ આજે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.

    મંત્રીએ જણાવ્યું હતું કે, આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’ના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. પ્રધાનમંત્રી તા. 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

    આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.

    વધુમાં, સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2,500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ 1,000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.મંત્રીએ કહ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. ,9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

    મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. મંત્રીએ તમામ નાગરિકોને આ ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply