સ્વદેશ પરત ફર્યા યુક્રેનમાં ફસાયેલા 76 ગુજરાતી વિદ્યાર્થીઓ
Live TV
-
રશિયા અને યુક્રેન વચ્ચેમી વર્તમાન સ્થિતિમાં ફસાયેલા ગુજરાતી યુવાઓને વતન પરત લાવવા માટે કેન્દ્ર સરકારના પરામર્શમાં રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ભારત સરકારે યુક્રેન સાથે સંકલન કરી રેસ્ક્યુ ફ્લાઈટ શરુ કરાવી છે. ગુજરાતના 584 જેટલા લોકો યુક્રેનમાં ફસાયેલા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમને પરત લાવવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર-વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્કમાં
છે.
કેન્દ્ર સરકરે શરુ કરેલા ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા યુવા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા ખાસ શરુ કરાયેલી પહેલી રેસ્કયુ ફલાઇટ મારફતે 219 યુવાઓ મોડી રાત્રે સહીસલામત રીતે મુંબઈ આવી પહોંચ્યા છે. જે પૈકી 44 વિદ્યાર્થીઓ ગુજરાતના છે. આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની GSRTCની બે વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત આજે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી ખાતે બીજી રેસ્ક્યુ ફલાઇટ મારફત બીજા 32 ગુજરાતી વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા છે. આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના નવી દિલ્હી સ્થિત રેસીડેન્ટ કમિશનર આરતી કંવરના માર્ગદર્શનમાં ગુજરાત ભવન ખાતે લઇ જવાયા છે. ત્યાંથી તેમને GSRTCની વોલ્વો બસ દ્વારા સવારે 9 કલાકે ગુજરાત જવા રવાના કરવામાં આવશે.
આ વિદ્યાર્થીઓને તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. મુંબઈ અને નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચેલા આ વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના અધિકારીઓએ આવકાર્યા, ત્યારે તેમના મુખ પર હેમખેમ ભારત પરત આવી ગયાનો આનંદ દેખાઈ રહ્યો હતો. આ યુવાઓ ઉપરાંત અન્ય એક રેસ્ક્યુ ફલાઇટ દ્વારા બુડાપેસ્ટથી પણ ગુજરાતી વિદ્યાર્થીઓ આજે એટલે કે રવિવારે બપોર સુધીમાં નવી દિલ્હી પહોંચશે.
હજુ પણ યુક્રેનમાં કોઈ ગુજરાતી નાગરિકો ફસાયેલા હોય તો તેમને સ્વદેશ પરત લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો આપવા માટે હેલ્પલાઇન શરુ કરી છે. હેલ્પલાઈન નંબર - 079- 232- 38278 તેમજ nrgfoundation[at]yahoo[dot]co[dot]in પર સંપર્ક કરીને માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.
