‘મેં હું ડોન’:સહ્યાદ્રિની ગોદમાં વસેલું ડાંગનું મનમોહક પ્રવાસન સ્થળ
Live TV
-
ડાંગ: સહ્યાદ્રિ પર્વતમાળાની હરિયાળી અને કુદરતી સૌંદર્ય માણવું હોય તો ડાંગના ડુંગરો ખૂંદવા પડે. ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલું ડોન ગામ ચોમાસામાં ધોધ, ધુમ્મસ, હરિયાળી અને વાદળોથી સજીને પ્રવાસીઓને આકર્ષે છે.
લગભગ 1,000 મીટરની ઊંચાઈએ આવેલું ડોન, સાપુતારા બાદ ગુજરાતના મહત્વના પર્વતીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. અહીંથી આસપાસના જંગલો, ખીણો અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોના મનમોહક દૃશ્યો જોવા મળે છે.ડોનની તળેટીમાં વન વિભાગ દ્વારા સફેદ ડોકવાળા ગીધના સંવર્ધન માટે કેન્દ્ર કાર્યરત છે. ડોન હિલ પર આવેલી ગીધરાજની વિશાળ પ્રતિમા પણ વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપે છે.ડોન વિસ્તાર આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓથી પણ સમૃદ્ધ છે. અહીં ભીલ, કુકણા, કુનબી, વારલી સહિતના આદિવાસી સમુદાયો વસે છે. પ્રકૃતિપૂજા, વાઘદેવ અને ડુંગરદેવની આરાધના તેમજ પાવરી અને કહાડિયા નૃત્ય અહીંની આગવી સાંસ્કૃતિક ઓળખ છે.
ચોમાસામાં ડોન અને આસપાસના વિસ્તારોમાં નાના-મોટા ધોધ, કુદરતી જળાશયો અને ટ્રેકિંગ રૂટ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. ડોન હિલ, સૂર્યોદય-સૂર્યાસ્ત વ્યૂ પોઈન્ટ અને વલ્ચર પોઈન્ટ અહીંના મુખ્ય આકર્ષણો છે. ડોનની તળેટીમાં આવેલા કુદરતી આમ્રવૃક્ષો અને સ્થાનિક વનઉપજ પણ પ્રવાસીઓને આકર્ષે છે.ડોન આહવાથી આશરે 33 કિમી અને સાપુતારાથી લગભગ 55 કિમી દૂર આવેલું છે. નવા માર્ગો અને પાયાની સુવિધાઓના વિકાસથી અહીં પહોંચવું વધુ સરળ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ડોનને ઈકો-ટુરિઝમ અને પ્રાકૃતિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.ડોન આસપાસના ચિંચલી, ગારખડી, પાંડવ ગુફા, અંજની કુંડ, બિલમાળ સહિતના વિસ્તારો અને મહારાષ્ટ્રના સાલહેર-મુલ્હેર કિલ્લાઓ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
