અમેરિકન કંપનીઓને ગુજરાતમાં ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે રોકાણનું આમંત્રણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રવાસના બીજા દિવસે સેમીકન્ડક્ટર, AI,એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો સાથે રાઉન્ડ ટેબલ અને વન-ટુ-વન બેઠકો યોજી હતી.
ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રના 100થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથેની બેઠકમાં ગુજરાતને માત્ર રોકાણના સ્થળ તરીકે નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન અને સપ્લાય ચેઈન માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અપનાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કંપનીઓને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક વિસ્તરણ સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. તેમણે ટેક્નોલોજી, રોકાણ, સંશોધન, કૌશલ્ય વિકાસ અને બિઝનેસ સહયોગની નવી તકો વિકસાવવા અમેરિકન કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.
આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈને B2B અને B2G બેઠકો દ્વારા સહયોગની નવી તકો શોધવા પણ તેમણે ઉદ્યોગ અગ્રણીઓને આમંત્રણ આપ્યું હતું.AI, જનરેટિવ AI, રોબોટિક્સ, એજ્યુકેશન, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રની બેઠકોમાં ઉભરી રહેલી તકો તથા ગુજરાતમાં નવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા થઈ હતી. ગેમિંગ ક્ષેત્રે આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નીતિ, ઈનોવેશન અને ઉદ્યોગોની ભાગીદારીથી મજબૂત ઈકોસિસ્ટમ વિકસાવવા પર પણ ચર્ચા થઈ હતી.ઉદ્યોગ પ્રતિનિધિઓએ ગુજરાતના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી, ઝડપી પરમિશન પ્રક્રિયા અને બિઝનેસ-ફ્રેન્ડલી અભિગમની પ્રશંસા કરી હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027 અંગે માહિતી આપી હતી.
