75મા પ્રજાસત્તાક દિવસ નિમિતે પ્રવાસનના હબ એવા સફેદ રણ મધ્યે કરાઈ ઉજવણી
Live TV
-
75મા પ્રજાસત્તાક દિવસ નિમિતે પ્રવાસનના હબ એવા સફેદ રણ મધ્યે કરાઈ ઉજવણી, BSFના જવાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો
75મા પ્રજાસત્તાક દિવસ નિમિતે પ્રવાસનના હબ એવા સફેદ રણ મધ્યે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. સફેદ રણ મધ્યે આવેલ ટાવર પોસ્ટ ખાતે BSF અને સીઆરપીએફના પૂર્વ DG સુજોય લાલ થાઓસનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો વડે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંથી એક એવા ગુજરાતમાં આવેલ કચ્છના પ્રખ્યાત સફેદ રણ મધ્યે પણ સીમા સુરક્ષા બળ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ આજે દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત તરફથી ધોરડો ગામની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો બીજી તરફ ધોરડોના રણમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સફેદ રણ ખાતે આવેલી ટાવર પોસ્ટ પર મુખ્ય અતિથિ તરીકે બીએસએફ અને સીઆરપીએફના પૂર્વ મહાનિર્દેશક સુજોય લાલ થાઓસનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
રણોત્સવ નિમિતે સફેદ રણમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે આજે રણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. દેશના વિવિધ ખૂણેથી આવેલા પ્રવાસીઓ દેશપ્રેમ વર્ણવતા ગીતો પર મન મૂકીને નાચ્યા હતા. દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ માટે બીએસએફ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બીએસએફના જવાનોએ સફેદ રણમાં સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. રણોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લેતા હોય છે અને રણમાં મોટા પ્રમાણમાં કચરો પણ ફેંકતા જાય છે જે કારણે BSF જવાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. અને રણમાં વોચ ટાવર આસપાસ સફાઈ કરી હતી. જવાનોને રણમાં સફાઈ કરતા જોઈ અનેક પ્રવાસીઓ પણ આ સફાઈ કાર્યમાં જોડાયા હતા.
