CM જુનાગઢના પ્રવાસે, સરદાર ચોકમાં પ્રતિમાને કર્યા ફૂલહાર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જુનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો આરંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાઇ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અવસરે યુનિટી માર્ચ - પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજ વસ્તુના ઉપયોગના શપથ પણ લેવામાં આવ્યા.
જુનાગઢમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જુનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1947 ની 9મી નવેમ્બરે જુનાગઢ નવાબી શાસન માંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું તેને જુનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના મહત્વપૂર્ણ યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે યુનિટી માર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે. આ અવસરે મુખ્યમંત્રીએ આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવાર જનોનુ પણ સન્માન કર્યું.
એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન
આજે જુનાગઢ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારતને આઝાદી મળી ત્યારે જુનાગઢના નવાબે જુનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં જોડવાની જાહેરાત કરી હતી. તે સમયે, સરદાર વલ્લભભાઈ પટેલે એક ચતુરાઈભરી રણનીતિ અપનાવીને, આરઝી હુકુમત સેનાની સ્થાપના કરી, અને 84 દિવસના સંઘર્ષ પછી, 9 નવેમ્બર, 1947 ના રોજ જુનાગઢ નવાબના શાસનમાંથી મુક્ત થયું, અને નવાબ લાહોર ભાગી ગયા.સરદાર પટેલે જુનાગઢની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાથી, જુનાગઢથી રાજ્યવ્યાપી એકતા કૂચ શરૂ થશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી હોવાથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જુનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા.
