CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી રાજ્યવ્યાપી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોરોના રસીકરણના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો.
ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા.16 માર્ચ બુધવારથી રસીકરણ આ કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના અંતર્ગત 12 થી 14 વર્ષની વયના 22.63લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
રાજ્યમાં આ કામગીરી આશરે 2000થી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500 થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે. વેક્સિનેશન કામગીરીના આ પ્રારંભ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશ અને રાજ્યમાં તા.16 જાન્યુઆરી-2021થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. તબક્કાવાર વય જૂથ પ્રમાણે સૌને રસીકરણથી આવરી લઈ કોરોના સામે રક્ષણ આપવાનું મહા અભિયાન દેશમાં તેમના નેતૃત્વમાં સફળતાપૂર્વક આગળ વધ્યું છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ હવે તા.16મી માર્ચ-2022થી 60 વર્ષથી વધુ વયના તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ છે.
આ વયજૂથમાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9 મહિના, 39 અઠવાડિયા બાદ જ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. એટલું જ નહિ, બન્ને ડોઝ જે વેક્સિનના લીધા હોય તે જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે.
