LRD ભરતી બોર્ડના સભ્યોની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, ફાઈનલ આન્સર કીમાં નહીં થાય કોઈ ફેરફાર
Live TV
-
ગાંધીનગર ખાતે LRD ભરતી આન્સર કીમાં વિસંગતતા મામલે લોક-રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ અને લોક-રક્ષક ભરતી બોર્ડના સભ્યો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીનાં વાંધાઓ આવ્યા હતા જે મુદ્દે બોર્ડ બેઠકમાં ચર્ચા થઈ છે. સમીક્ષાના અંતે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે અગાઉ ફાઇનલ આન્સર કી મૂકી છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ભરતી બોર્ડે અલગ અલગ સોર્સને ધ્યાને રાખીને જ ફાઇનલ આન્સર કી મૂકી છે. લોક રક્ષક દળ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટના વેરિફિકેશન માટેનું પરિણામ PSIના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જાહેર કરવામાં આવશે.
લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આન્સર કીમાં સુધારા વધારા માટે ઉમેદવારોને સમયગાળો આપવામાં આવ્યો હતો. પરંતુ હવે 27 એપ્રિલનાં રોજ લોક રક્ષક દળ પરીક્ષાની ફાઈનલ આન્સર-કી સાઈટ ઉપર મૂકી દેવામાં આવી છે ત્યારે હવે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં અને કોઈપણ અરજી સ્વીકારાશે નહીં. સાથે જ હવે જો કોઇ ઉમેદવારે કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો તે બાબતની વાંધા અરજી કરી શકશે. તેના માટે 22 મે સુધીમાં જ અરજી થઈ શકશે અને ઉમેદવારોએ આ અરજી પ્રક્રિયામાં 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ હોલ ટિકિટ (LRD Exam Answer Key and Rechecking )પણ સાથે મૂકવી પડશે.
