SIR સંદર્ભે અમદાવાદ જિલ્લાના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારનો ખાસ સંદેશ
Live TV
-
અમદાવાદ શહેર-જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR)નો પ્રારંભ થયો છે. ત્યારે આ સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે જિલ્લાના નાગરિકોને ખાસ સંદેશો પાઠવી અપીલ કરી છે.
સુજીત કુમારે જણાવ્યું હતું કે, તા. 4 નવેમ્બરથી શરૂ થયેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR)ની ઝૂંબેશ આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં શહેર-જિલ્લાની 21 વિધાનસભાના 62,59,620 મતદારો માટે કુલ 5524 BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે.વધુમાં, સુજીત કુમારે SIRની મુખ્ય પ્રક્રિયાઓ અને સમયરેખા વિશે જણાવ્યું હતું. BLO દ્વારા મતદારોના ઘરે ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લઈ, એન્યુમરેશન ફોર્મનું વિતરણ અને ગણતરી તથા મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરાશે. વધુમાં, તેમણે ઉમેર્યું કે આ સમગ્ર પ્રક્રિયા માટે BLOને ખાસ તાલીમ આપવામાં આવી છે. ત્યાર બાદ આગળની પ્રક્રિયા વાંધા અને સૂચનો માટે રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે વધુમાં કહ્યું કે, SIRની આ સમગ્ર પ્રક્રિયા 7 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે અને વિવિધ રાજકીય પક્ષો પણ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. અશક્ત, દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ સ્વયંસેવકોની નિમણૂક કરાઈ છે તેમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે EROs/AEROs દ્વારા કરવાની કામગીરી વિશે પણ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં મતદારોને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં અને ફક્ત ફોર્મ ભરીને પરત કરવાનું રહેશે. ત્યારે આ સમગ્ર કામગીરીમાં જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓને જરૂરી સહકાર આપવા જિલ્લા કલેક્ટરએ તમામ નાગરિકોને અપીલ કરી હતી.
