ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના 150 વર્ષની ગુજરાતભરમાં થશે ભવ્ય ઉજવણી
Live TV
-
પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તા 7 મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ ભારતના રાષ્ટ્ર ગીત “વંદે માતરમ@150”ની ઉજવણી ઉલ્લાસભેર કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા પરિસર ખાતે 7 મી નવેમ્બરના રોજ યોજાશે. જેમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ પણ કરાશે.તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત “વંદે માતરમ“ના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઇ હતી અને એક નવી ઉંચાઇ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. ત્યારે રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાની પ્રધાનમંત્રીએ પ્રેરણા આપી છે, જેની રાજ્યભરમાં ઉજવણી કરાશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, તા.7 નવેમ્બરના દિવસે રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાઓ ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે તથા મેયરની ઉપસ્થિતિમાં મહાનગપાલિકાઓ ખાતે, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી તથા નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે રાષ્ટ્ર ગીત "વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમુહગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા પાટનગર ગાંધીનગર તથા જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળોએ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્” તથા અન્ય દેશ ભક્તિના ગીતો આધારિત ધૂન પ્રસ્તુતિ કરાશે. તા:7-11-2025 થી તા.26-11-2025 દરમિયાન સરકારી તથા ખાનગી યુનીવર્સીટીઓ, શાળાઓ અને કોલેજો, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો ખાતે રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ તથા કોલેજો ખાતે "વંદે માતરમ્@150" થીમ આધારિત સેમીનાર, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચાઓનું પણ આયોજન કરાશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
