અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ વચગાળાની સરકારની કરી જાહેરાત
Live TV
-
અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યા બાદ તાલિબાનો દ્વારા સત્તા પોતાના હાથમાં લીધા બાદ હવે વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ વચગાળાની સરકારની જાહેરાત કરી છે. ગઇકાલે કાબુલમાં યોજાયેલી પત્રકાર પરીષદમાં તાલીબાનોના પ્રવકતા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, મુલ્લા મોહમ્મદ હસન અખુંદ વચગાળાની સરકારના વડા રહેશે. તાલીબાનોના સહસ્થાપક અબ્દુલ ગની બરાદર નાયબ નેતા રહેશે. મળતા અહેવાલ મુજબ મૌલવી હનાફી બીજા નાયબ નેતા રહેશે. મુલ્લા યાકુબ નવા સંરક્ષણ મંત્રી, જયારે સિરાજુદૃીન હકકાની આંતરીક બાબતોના મંત્રી રહેશે. ઉલ્લેખનીય છે કે, વચગાળાની અફઘાન સરકારમાં કોઇ મહિલાને સ્થાન અપાયુ નથી.
ઉલ્લેખનીય છે કે, તાલીબાનોએ ૩૪ પ્રાંત ઉપર કબજો મેળવ્યા બાદ વચગાળાની સરકારની રચના કરી છે. વિશ્લેષકોએ જણાવ્યું છે કે, વિધિની વક્રતા એ છે કે આતંકી હકકાની જુથના વડા અફઘાનીસ્તાનના નવા આંતરીક બાબતોના મંત્રી છે.
મળતાં અહેવાલ મુજબ કેટલાક દેખાવકારોએ પાકિસ્તાનના વિરોધમાં અને તાલીબાનનો વિરોધ કરનારના સમર્થનમાં ગઇકાલે કાબુલમાં દેખાવો કર્યા છે. જેમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. તાલીબાનોએ આ દેખાવકારોને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો હતો.
