આત્મનિર્ભર ભારતને વેગ: સંરક્ષણ મંત્રાલયે કર્યા બે મોટા કરાર
Live TV
-
રક્ષણ મંત્રાલયે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર અને નૌકાદળ માટે અત્યાધુનિક VL-Shtil મિસાઇલોની ખરીદી માટે કુલ રુ.5,083 કરોડના બે મોટા કરાર કર્યા છે. HAL દ્વારા તૈયાર થનારા આ હેલિકોપ્ટર્સ દરિયાઈ સુરક્ષા અને દેખરેખને વધુ મજબૂત બનાવશે, જ્યારે રશિયન કંપની સાથેના મિસાઇલ કરારથી યુદ્ધ જહાજોની વાયુ સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે.આ પ્રોજેક્ટથી 200થી વધુ MSME એકમોને લાભ મળશે અને 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ લાખો માનવ-કલાકોની નવી રોજગારીની તકો ઊભી થશે.
સંરક્ષણ મંત્રાલયે મંગળવારે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) Mk-III (મેરિટાઇમ રોલ) અને ભારતીય નૌકાદળ માટે સરફેસ-ટુ-એર વર્ટિકલ લોન્ચ (VL)-Shtil મિસાઇલોની ખરીદી માટે કુલ રૂ. 5,083 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સાઉથ બ્લોકમાં થયા કરાર
નવી દિલ્હી સ્થિત સાઉથ બ્લોક ખાતે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
HAL ને રૂ. 2,901 કરોડનો હેલિકોપ્ટર કોન્ટ્રાક્ટ
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છ ALH Mk-III (MR) હેલિકોપ્ટરની ખરીદીનો રૂ. 2,901 કરોડનો કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), બેંગલુરુને ‘Buy (Indian–Indigenously Designed, Developed and Manufactured)’ શ્રેણી હેઠળ આપવામાં આવ્યો છે. આ પેકેજમાં ઓપરેશનલ રોલ ઇક્વિપમેન્ટ, એન્જિનિયરિંગ સપોર્ટ પેકેજ અને પરફોર્મન્સ-બેઝ્ડ લોજિસ્ટિક્સ સપોર્ટનો પણ સમાવેશ થાય છે.
સમુદ્રી સુરક્ષા મિશનમાં મળશે મજબૂતી
આ ટ્વિન-એન્જિન હેલિકોપ્ટર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને દરિયાકાંઠાના એરફિલ્ડ તેમજ સમુદ્રમાં તૈનાત જહાજો પરથી વિવિધ સમુદ્રી સુરક્ષા મિશન ચલાવવા માટે સક્ષમ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ હેલિકોપ્ટરની તૈનાતીથી ભારતીય કોસ્ટ ગાર્ડની કૃત્રિમ ટાપુઓ, દરિયાકાંઠાના સ્થાપનો, માછીમારો અને સમુદ્રી પર્યાવરણની સુરક્ષા ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
200 થી વધુ MSME ને મળશે લાભ
મંત્રાલયે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ 200 થી વધુ MSME (લઘુ અને મધ્યમ ઉદ્યોગો) પાસેથી સાધનોની ખરીદી કરવામાં આવશે અને તેનાથી લગભગ 65 લાખ માનવ-કલાકોની રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. આ કરાર 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' પહેલને વેગ આપવાની સાથે દેશના દરિયાઈ સુરક્ષા માળખાને પણ સશક્ત બનાવશે.
નૌકાદળ માટે રૂ. 2,182 કરોડની VL-Shtil મિસાઇલો
એક અલગ સમજૂતીમાં, સંરક્ષણ મંત્રાલયે રશિયન ફેડરેશનની કંપની JSC Rosoboronexport સાથે રૂ. 2,182 કરોડનો કરાર કર્યો છે. આ અંતર્ગત ભારતીય નૌકાદળ માટે સરફેસ-ટુ-એર VL-Shtil મિસાઇલો અને તેની સાથે જોડાયેલા મિસાઇલ હોલ્ડિંગ ફ્રેમ્સની ખરીદી કરવામાં આવશે.
વાયુ સંરક્ષણ ક્ષમતા થશે મજબૂત
આ ખરીદીનો ઉદ્દેશ્ય ફ્રન્ટ લાઇન યુદ્ધ જહાજોની વાયુ સંરક્ષણ ક્ષમતાને વિવિધ હવાઈ જોખમો સામે સજ્જ કરવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ નૌકાદળના બહુસ્તરીય વાયુ સંરક્ષણ માળખાને મજબૂત બનાવશે અને પડકારજનક સમુદ્રી પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ, તમામ હવામાનમાં સચોટ લક્ષ્યભેદ અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા પ્રદાન કરશે.
