કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોનના સંક્રમણથી કેસની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છેઃ WHO
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થા –WHOએ ચેતવણી આપી છે કે, કોરોનાના, ડેલ્ટા અને ઓમિક્રોન પ્રકારના એક સાથે ફેલાઈ રહેલા સંક્રમણથી કોવિડ કેસોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે. WHOના નિર્દેશક ટેડ્રોસ ગ્રેબ્રેસિયસે જણાવ્યું કે, બંને પ્રકારના વેરિયન્ટને કારણે કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ વધારો જોવા મળ્યો છે. જો ઓમિક્રોનાના કેસમાં વધારો થયો અને સ્થિતિ આ પ્રકારે જ રહી તો હેલ્થ સિસ્ટમ પર મોટી અસર પડી શકે છે. તેમણે વિશ્વમાં રસીની સમાન વહેંચણીનો પુનરોચ્ચાર કરતા આર્થિક રીતે સમક્ષ દેશોમાં વધારાના બુસ્ટર ડોઝના કારણે ગરીબ દેશોમાં રસીની અછત ઉભી થવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, WHO વર્ષ 2022ના મધ્ય સુધીમાં વિશ્વના તમામ દેશોની 70 ટકા વસ્તીને રસી મળી રહે તે માટે અભિયાન ચલાવી રહ્યું છે. જેનાથી રોગચાળાના તીવ્ર તબક્કાનો અંત થશે.
ફ્રાંસમાં સતત કોવિડ સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક સર્વાધિક 2 લાખ 8 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. તો અમેરિકામાં પણ ગયા સપ્તાહે સંક્રમિતોની દૈનિક સંખ્યા 2 લાખ 66 હજાર 427 પર પહોંચી છે. ડેનમાર્ક, પોર્ટુગલ, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયામાં પણ સંક્રમણ બમણી સ્પીડથી વધી રહ્યં છે. ત્યારે વિશ્વભરમાં તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ લોકોને રસી લેવા માટે અપીલ કરી રહ્યાં છે.
