ગાઝા અને વેસ્ટ બેંકને મળશે માનવીય સહાય, US રાષ્ટ્રપતિએ કરી જાહેરાત
Live TV
-
હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે ગાઝા અને વેસ્ટ બેંકને માનવીય સહાયતા આપવા માટે 100 મિલિયન ડૉલરની જાહેરાત કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, મેં ગાઝા અને વેસ્ટ બેંકમાં માનવીય સહાયતા માટે 100 મિલિયન ડૉલરની જાહેરાત કરી છે.
આ રકમથી વિસ્થાપિત થયેલા અને યુદ્ધથી પ્રભાવિત થયેલા ફિલિસ્તાનિયોને મદદ મળશે. અમારી પાસે એવી વ્યવસ્થા છે કે આ સહાય જરૂરિયાતમંદો સુધી પહોંચી શકશે. જો કે બાઈડને સ્પષ્ટ કર્યું કે, આ સહાય હમાસ કે આતંકવાદી જૂથ સુધી નહીં પહોંચે. તો વ્હાઈટ હાઉસે તરફથી એક નિવેદન આપી કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ બાઈડને જાહેરાત કરી કે, સંયુક્ત રાજ્ય અમેરિકા ગાઝા અને વેસ્ટ બેંકમાં ફિલિસ્તાની લોકો માટે માનવીય સહાયતા માટે 100 મિલિયન ડૉલરની ફાળવણી કરવામાં આવે.
આ સહાયથી 10 લાખથી વધારે વિસ્થાપિતો અને સંઘર્ષથી પ્રભાવિત લોકોને સ્વચ્છ પાણી, ભોજન, સ્વચ્છતા, આરોગ્યની દેખભાળ અને અન્ય જરૂરિયાતનો સામાન ખરીદવામાં મદદ મળશે. સંયુક્ત રાજ્ય અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠનો સહિત વિશ્વસનીય ભાગીદારોના માધ્યમથી માનવીય સહાય આપી રહ્યું છે.
વ્હાઈટ હાઉસે પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હમાસના ભયાનક આતંકવાદ માટે નાગરિકો દોષિત નથી. નાગરિકોના જીવનની રક્ષા થવી જોઈએ અને જરૂરિયાતમંદો સુધી સહાય તત્કાલીક પહોંચવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. હમાસના આતંકીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયેલે વળતી કાર્યવાહી કરી હતી. જેમાં ગાઝામાં મોટા પાયે નુકસાન થયું છે. ગાઝાવાસીઓ હાલ પ્રાથમિક જરૂરિયાતની અછતનો સામનો કરી રહ્યા છે.
