જાપાનઃ કોબામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોબામાં ભારતીય સમુદાયનો માન્યો આભાર
પ્રધાનમંત્રી મોદી ગુરૂવારે જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોબામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
કોબામાં ભારતીય સમુદાયને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાં થતી ચૂંટણીમાં તમારામાંથી પણ ઘણાં લોકોનું યેનકેન પ્રકારે યોગદાન રહ્યું છે. સોશિયલ મીડિયા, ફેસબુક, ટ્વિટર વગેરેથી તમે કોઈને કોઈ રુપથી તમે જ તો લોકશાહીના આ ઉત્સવને વધુ તાકાતવાન બનાવ્યો છે. આ માટે હું તમારા લોકોનો આભાર વ્યક્ત કરું છું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ New Indiaના વિઝન, મિશન અને વેલ્યૂ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નવા ભારતની આશાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે મળેલો આ આદેશ સમગ્ર વિશ્વની સાથે આપણા સંબંધોને પણ નવી જ ઉર્જા આપશે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ જે મંત્ર પર અમે ચાલી રહ્યાં છીએ, તે ભારત પર દુનિયાનો વિશ્વાસ વધુ મજબૂત કરશે.
આ ઉપરાંત તેમણે જાપાન સાથેના સંબંધોની વાત કરતા એ પણ કહ્યું હતું કે,'જ્યારે સમગ્ર વિશ્વની સાથે ભારતના સંબંધોની વાત આવે છે તો જાપાનનું તેમાં એક મહત્વનું સ્થાન છે. આપણા આ સંબંધો આજકાલના નથી પરંતુ સદીઓના છે. તેના મૂળમાં આત્મિયતા છે. સદ્ભાવના છે. એકબીજાની સંસ્કૃતિ અને સભ્યતાનું સન્માન છે.'
આપણી બોલચાલના પણ કેટલાક સૂત્રો છે. જે એકબીજાને સાથે જોડવામાં મદદરુપ થાય છે. જેને ભારતમાં 'ધ્યાન' કહેવામાં આવે છે. તેને જાપાનમાં 'Zen' કહેવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં જેને સેવા કહેવામાં આવે છે. તેને જાપાનમાં પણ 'સેવા' જ કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારે ટેક્નોલોજીમાં ભારત અને જાપાન હંમેશા એકબીજાનું સહયોગી રહ્યું છે. આજે ભારતનો એવો કોઈપણ ભાગ નહીં હોય જ્યાં જાપાનના પ્રોજેક્ટ્સ અથવા તો ઈન્વેસ્ટમેન્ટે પોતાની છાપ ન છોડી હોય. આ જ પ્રકારે ભારતનું ટેલેન્ટ અને મેનપાવર જાપાનને મજબૂત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
વડાપ્રધાને જાપાન સાથેના સંબંધનો ઉલ્લેખ કરતાં એ પણ કહ્યું હતું કે, 'આશરે બે દશક પહેલા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી અને વડાપ્રધાન યોશિરો મોરીજીએ સાથે મળીને આપણા સંબંધોને ગ્લોબલ પાર્ટનરશીપનું રુપ આપ્યું હતું. 2014માં વડાપ્રધાન બન્યા પછી મારા દોસ્ત શિંઝો આબે સાથે મળીને દોસ્તી મજબૂત કરવાની તક મળી હતી.'
