જો બાઈડન G-20 શિખર સંમેલનમાં ભાગ લેશે, 7 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે
Live TV
-
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે. વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવનના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન જો બાઈડેન વૈશ્વિક પડકારોનો સામનો કરવા સહિત ગરીબી સામે વધુ સારી રીતે લડવા માટે વિશ્વ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા પર ચર્ચા કરશે. જ્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરિન જીન પિયરે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેન અને G20 ભાગીદારો વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે વિવિધ દેશના ટોચના વડાઓ સાથે ગહન ચર્ચા કરશે.તેમાં સ્વચ્છ ઊર્જા, જળવાયુ પરિવર્તનનો સામનો કરવો અને યૂક્રેન સંઘર્ષની આર્થિક અને સામાજિક અસરોને ઘટાડવાનો સમાવેશ થાય છે. આપને એ પણ જણાવી દઈએ કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડનના કાર્યકાળનો આ પ્રથમ ભારત પ્રવાસ હશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક પર વિશ્વની નજર રહેશે. તો બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં રાજધાની દિલ્હીમાં યોજાનારી આ G20 કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. 8, 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હી સરકાર અને MCDની તમામ ઓફિસો બંધ રહેશે. આ સાથે તમામ શાળાઓમાં પણ ત્રણ દિવસની રજા રહેશે.
