પીએમ નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
Live TV
-
પીએમ નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ: મેલબોર્નમાં પૂર્વ પીએમ સ્કોટ મોરિસન અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે યોજી મહત્વની બેઠક
પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક ભાગીદારી અને શૈક્ષણિક સંબંધોને મજબૂત કરવા માટે સતત બેઠકો કરી રહ્યા છે. આ કડીમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવામાં સ્કોટ મોરિસનનું મોટું યોગદાન રહ્યું છે.
બંને નેતાઓ વચ્ચે લાંબા સમય બાદ યોજાયેલી આ બેઠકમાં ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ અને પરસ્પર હિત ધરાવતા અનેક મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે સ્કોટ મોરિસન વર્ષ 2018 થી 2022 સુધી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે અને પીએમ મોદી સાથે તેમના અંગત સંબંધો પણ ખૂબ મજબૂત રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે મંથન
ભૂતપૂર્વ પીએમ મોરિસન ઉપરાંત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની અગ્રણી વિશ્વવિદ્યાલયોના વાઇસ ચાન્સેલર્સ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે પણ એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવાનો છે.
ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોમાં નવો અધ્યાય
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, શિક્ષણ અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ આપણા સંબંધોનો મજબૂત પાયો છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ સાથેની આ ભાગીદારી ભારતના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક તકોના નવા દ્વાર ખોલશે.
