પ્રધાનમંત્રીએ ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ચાર નોર્ડિક દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો ત્રીજો અને ડેનમાર્ક પ્રવાસનો બીજો દિવસ છે. વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ડેનમાર્કમાં બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને નોર્વેના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પ્રધાનમંત્રીએ 4 નોર્ડિક દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. વિદેશ મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈસલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે જિયોથર્મલ ઊર્જા પર ચર્ચા કરી હતી.
આ સંમેલનમાં જળવાયુ પરિવર્તન, સતત વિકાસ, નવાચાર પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ નોર્ડિક દેશો વચ્ચે નદીઓની સફાઈ, કૌશલ વિકાસમાં સહયોગ પર પણ ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, નોર્ડિક દેશોની સાથે ભારત તરફથી સ્વચ્છ ઊર્જા, અંતરિક્ષ, આર્કટિક રિસર્ચ અને રક્ષા સહિત અન્ય મુદ્દા પર ચર્ચા થઈ હતી. જ્યારે નોર્વે સાથેની વાતચીતમાં બ્લ્યૂ ઈકોનોમી, ગ્રીન હાઈડ્રોજન અને મહિલા સશક્તિકરણ પર વાતચીત થઈ હતી. આ સિવાય આઈસલેન્ડ સાથે જિઓ થર્મલ એનર્જી, રિસર્ચ, ટ્રેઈનિંગ અને ઈનોવેશન પર વાતચીત થઈ હતી. ફિનલેન્ડ સાથે ફાઈવ જી અને સિક્સ જી સાથે જોડાયેલી ટેકનિક પર ચર્ચા થઈ હતી.
