પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં આવેલા રિગન સેન્ટર અને કેનેડી સેન્ટરના કાર્યક્રમમાં હાજરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસમાં વિવિધ બેઠક અને કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા રિગન સેન્ટરમાં પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના નાગરિકોની મહેનતના વખાણ કર્યા હતા. તેમણે ભારત અને અમેરિકાની ભાગીદારીને નવી યાત્રા ગણાવી હતી. આ નવી યાત્રા મેક ઇન ઇન્ડિયા-મેક ફૉર ધ વર્લ્ડ છે. પ્રધાનમંત્રીએ ઉંમેર્યું હતું કે, ભારત-અમેરિકા ફક્ત નીતિઓને નહીં લોકોના જીવનને ઊંચાઈ આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એચ વન બી વિઝાને રિન્યૂ કરવા માટે ભારતીય પ્રવાસીઓએ હવે અમેરિકાની બહાર નહીં જવું પડે. આ પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ટીશર્ટ ભેટમાં આપી છે, જેની ઉપર A.I. લખેલું છે. એટલે કે અમેરિકા- ઇન્ડિયા.
આ સાથે જ પ્રધાનમંત્રીએ અમેરિકા-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા કેનેડી સેન્ટરના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીના અમેરિકા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો હતો. સાથે જ બંને દેશ વચ્ચે વધી રહેલી ભાગીદારીના વખાણ કર્યા હતા. USISPFનો મુખ્ય ઉદ્દેશ અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો છે. પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત વિકાસ યાત્રામાં નવી ઊર્જા સાથે નવાં લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને પ્રધાનમંત્રીના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, ઈનોવેશનથી લઈ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત સાથે ભાગીદારી વધી રહી છે.
