ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવા સંમત થયા
Live TV
-
ભારત-ચીન સરહદી બાબતો પર કાર્યકારી મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC)ની 30મી બેઠક 31 જુલાઈના રોજ દિલ્હીમાં યોજાઈ હતી.
વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) ગૌરાંગલાલ દાસે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના બોર્ડર એન્ડ ઓશન વિભાગના મહાનિર્દેશક હોંગ લિયાંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ જાળવવા માટે સંમત થયા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અસ્તાના અને વિયેન્ટિઆનમાં તેમની તાજેતરની બેઠકોમાં બંને વિદેશ પ્રધાનો વચ્ચેની ચર્ચાઓ બાદ, બંને પક્ષોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી જેથી કરીને આ સમસ્યાનું વહેલું નિરાકરણ લાવવામાં આવે.
બેઠક દરમિયાન બંને પક્ષો સંબંધિત દ્વિપક્ષીય કરારો, પ્રોટોકોલ અને સમજૂતીઓ અનુસાર સરહદી વિસ્તારોમાં સંયુક્ત રીતે શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવાની જરૂરિયાત પર સહમત થયા હતા.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બેઠકમાં થયેલી ચર્ચા સઘન, રચનાત્મક અને દૂરંદેશી હતી. બંને પક્ષો સ્થાપિત રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા ગતિ જાળવી રાખવા સંમત થયા હતા. આ દરમિયાન ચીનના પ્રતિનિધિમંડળના નેતા વિદેશ સચિવને પણ મળ્યા હતા.
