ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યોઃ રિપોર્ટ
Live TV
-
ઈરાનના તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા થઇ હતી, આ હત્યા કથિત રીતે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે કરાવી હતી. જેના કારણે ઈરાન સહીત ઘણા દેશોએ ઇઝરાયલ સામે રોષ વ્યક્ત કર્યો છે. ઈરાન હવે ઇઝરાયલ પર સીધો હુમલો કરી શકે છે. મીડિયા રીપોર્ટ અનુસાર ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો છે.
રીપોર્ટ અનુસાર હાનિયાના મૃત્યુની ઘોષણા કર્યા પછી તરત જ ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, આ દરમિયાન ખમેનીએ હુમલાનો આદેશ આપ્યો હતો. ઈરાનના સરકારી પ્રેસના અહેવાલ મુજબ ખામેની તેહરાનમાં હાનિયાની અંતિમ ક્રિયામાં હાજરી આપશે.
ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે લશ્કરી કમાન્ડરો તેલ અવીવ અને હાઈફા નજીકના લશ્કરી લક્ષ્યો પર ડ્રોન અને મિસાઈલો સાથે સંકલિત હુમલાની વિચારણા કરી રહ્યા છે. તેઓ યમન, સીરિયા અને ઇરાકના સાથી દળોને સાથે રાખીને વ્યાપક હુમલા પર પણ વિચાર કરી રહ્યા છે.
ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અન્ય અધિકારીઓએ રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા કરવાના તેમના અધિકાર પર ભાર મૂકતા જાહેર કર્યું હતું કે ઈરાન ઈઝરાયેલ સામે બદલો લેશે.
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, જો તેમના દેશ પર કોઈપણ પ્રકારનો હુમલો થશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસ, હુથિઓ અને હિઝબોલ્લાહ સામે ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ હાનિયા હત્યાની જવાબદારી સ્વીકારી ન હતી.
