ભારત સમગ્ર વિશ્વમાં ઔષધીય પાક ઇસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ
Live TV
-
અમેરિકા ભારતીય ઇસબગુલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે
સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર આવે છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. તેના પ્રોસેસિંગના એકમો સિદ્ધપુર અને ઊંઝા ખાતે કાર્યરત છે. ઇસબગુલ એ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધીય પાક છે અને ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનના 93% ઉત્પાદનની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, જેમાં અમેરિકા ભારત પાસેથી સૌથી વધુ માત્રામાં ઇસબગુલ ખરીદે છે. ત્યારબાદ ભારત પાસેથી સૌથી વધુ ઇસબગુલ ખરીદનારા દેશોમાં જર્મની, ઇટલી, યુકે અને કોરિયાનો સમાવેશ થાય છે. તેમજ વિશ્વના અનેક દેશોમાં ભારતમાંથી ઇસબગુલની નિકાસ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારની બાગાયત અને ઔષધીય પાકો માટેની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાતમાં બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ, ઇસબગુલનું મહત્વ એ છે કે, તેના બીજ શીતળતાના ગુણધર્મો ધરાવે છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપથી ચિકિત્સાઓમાં કરવામાં આવે છે. તેના બીજ તથા તેની ભૂકીનો ઉપયોગ પાચનતંત્ર અને મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં તથા આંતરડાના ચાંદા, મસા અને ગોનોરીયાની સારવાર કરવા ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે કરી શકાય છે.
ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આમ, છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં ઇસબગુલનો વાવેતર વિસ્તાર અને તેનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ગુજરાતમાં બનાસકાંઠામાં ઇસબગુલનું સૌથી વધુ એટલે કે 47% ઉત્પાદન થાય છે, ત્યારબાદ કચ્છમાં 34%, મહેસાણામાં 10% અને જૂનાગઢમાં 5% ઇસબગુલનું ઉત્પાદન થાય છે. આ સાથે ગુજરાતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનના 96% ઉત્પાદન આ ચાર જિલ્લાઓમાં થાય છે. ઊંઝાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલની આવકમાં પણ વધારો થયો છે.
ભારતમાંથી ઇસબગુલનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે, જે ભારતમાંથી થતી કુલ નિકાસનો લગભગ 75% હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-23માં ભારતમાંથી અમેરિકામાં 19,666 મેટ્રિક ટન ઇસબગુલની નિકાસ કરવામાં આવી હતી, જેનું મૂલ્ય રૂ.1023.29 કરોડ છે. વર્ષ 2023-24 માટે પણ એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.343.20 કરોડના મૂલ્યના 4931.70 મેટ્રિક ટન ઇસબગુલની અમેરિકામાં નિકાસ કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીય ઔષધીય પાક ઇસબગુલની અમેરિકામાં હાલ ભારે માંગ છે.
