મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઈકમિશનર સાથે ગુજરાતની સિદ્ધિઓ અંગે પરામર્શ કર્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્ડીયા શ્રીયુત એલેક્ષ એલીસે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમ્યાન બ્રિટીશ હાઈકમિશનરે ગુજરાતના ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, એજ્યુકેશન, હાયર એજ્યુકેશન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જે સિધ્ધિઓ મેળવી છે તે વિશે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી.
ભૂપેન્દ્ર પટેલે એજ્યુકેશન સેક્ટરમાં સ્માર્ટ સ્કુલના કોન્સેપ્ટથી સ્કુલ એજ્યુકેશનમાં ખાસ કરીને ટ્રાઈબલ એરિયામાં નવા પરિમાણો ઉમેરાયા છે તેની વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીએ આપી હતી. બાળકોની હાજરીનાં ઓનલાઈન મૂલ્યાંકન માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનિવર્સિટીઓ સાથે કોલોબરેશન અંગે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી ઓલમ્પિક ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે તે સંદર્ભમાં ઓલમ્પિક નગર અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષયમાં બ્રિટનની જે તજજ્ઞતા અને આ ગેમ્સના આયોજનનો બહોળો અનુભવ છે તેનો લાભ ગુજરાતને કઈ રીતે મળે તે અંગે પણ પરામર્શ કર્યો હતો.
જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશનમાં યુ.કે ડેલિગેશનને જોડાવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટીશ હાઈકમિશનરે પણ ભૂપેન્દ્ર પટેલને યુ.કે.ની મુલાકાત માટે ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત વખતે મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્યસચિવ એસ.જે. હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે પણ ઉપસ્થિત રહ્યા હતા.
