વિનાશક ભૂકંપ બાદ અફઘાનિસ્તાન અને તાલિબાનની આતંરરાષ્ટ્રીય સહાય માટે અપીલ
Live TV
-
વિનાશક ભૂકંપની ઘટના બાદ અફઘાનિસ્તાન અને તાલિબાને આતંરરાષ્ટ્રીય સહાય માટે અપીલ કરી હતી. અફઘાનિસ્તાન 6.1 ની તીવ્રતાના ભીષણ ભૂકંપ બાદ કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે 6.1 ની તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં ખોસ્ત શહેરથી 44 કિલોમીટર દૂર નોંધાયું હતું .ભૂકંપની ઘટનાના કારણે 1000 થી વધુ લોકોના મૃત્યુ થયા છે તો 1500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. દક્ષિણ પૂર્વના પકતિકા વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. મોબાઇલ ટાવરને નુકસાનના કારણે સંપર્ક વ્યવહાર પર ખરાબ અસર પડી છે અને મૃત્યુઆંક વધવાની અપેક્ષા છે કારણ કે બચાવ કાર્ય હાલમાં ચાલી રહ્યા છે. ભારે વરસાદના કારણે બચાવ કાર્યોના પ્રયત્નો ઝડપથી નથી થઇ રહ્યા.
દેશમાં બે દાયકામાં આવેલો સૌથી ભયંકર ભૂકંપ તાલિબાન માટે મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર્ અને સહાય એજન્સીઓ માનવી સહાયમાં અફઘાનિસ્તાનની મદદ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર્એ કહ્યું હતું કે ટર્કી મદદ પહોંચાડવામાં અને રેસ્ક્યુ ટીમ મોકલવા માટે સૌથી સારી સ્થિતિમાં છે. યુએન પાસે અફઘાનિસ્તાનમાં શોધ અને બચાવ કાર્યો માટેની યોગ્ય ક્ષમતા નથી. અત્યાર સુધીમાં યુએનએ 10 ટનથી વધુ આવશ્યક તબીબી પુરવઠો મોકલ્યો છે અને 20 તબીબી આરોગ્ય ટીમો તૈનાત કરી છે. યુએનએ કહ્યું હતું કે તાત્કાલિક 15 મિલિયન ડૉલરથી વધુની સહાયની જરૂર છે જે આવતા દિવસોમાં વધી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપની ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને શક્ય તમામ સહાય આપવાની જાહેરાત કરી હતી. જાપાને પણ જરૂરી સહાય પ્રદાન કરવાની માહિતી આપી હતી. દક્ષિણ કોરિયાએ 1 મિલિયન ડોલરની સહાય આપવાની વાત કરી હતી.
