વિશ્વમાં સમાનતા હશે તો જ કોરોના મહામારીને હરાવી શકીશુંઃ WHOના પ્રમુખ
Live TV
-
કોરોના સામેની લડાઈના બે વર્ષ પૂર્ણ થયા અને આપણે ત્રીજા એટલે નવા વર્ષ 2022માં પ્રવેશ કર્યો. હજુ પણ કોરોનાના અલગ-અલગ વેરિએન્ટથી વિશ્વમાં આતંક મચાવ્યો છે. 2021નું વર્ષ સમાપ્ત થયું અને 2022ની શરુઆતમાં જ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી વિશ્વ સામે એક નવો પડકાર ઉભો થયો છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખે એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા માટે અસમાનતા દુર કરવી ખૂબ જરુરી છે. જો આપણે અસમાનતા દુર કરવામાં સફળ થઈશું તો કોરોના નહીં પણ કોઈપણ મહામારીને હરાવી શકીશું. WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે કહ્યું કે, આ સમય ભૂતકાળમાંથી શીખ મેળવી ભવિષ્યને વધુ મજબૂત કરવાનો છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વનો કોઈપણ દેશ આ મહામારીમાંથી બચી શક્યો નથી. આપણી પાસે આજે કોવિડ સામે લડવા માટે ઘણા નવા હથિયારો છે, વેક્સિન છે, નવી સારવારની પદ્ધતિઓ છે, 8.5 મિલિયન ડોલર કરતા પણ વધારે રસીના ડોઝ ઉપલબ્ધ છે, આ તમામની વચ્ચે અસમાનતા હશે તો વૈશ્વિક સ્તરે આ મહામારીને હરાવી શકાશે. ટેડ્રોસે વધુમાં ઉમેર્યું હતું કે, ''કેટલાક દેશોનો સંકુચિત રાષ્ટ્રવાદ અને રસીની સંગ્રહખોરીથી અસમાનતા હટાવી શકાશે નહીં.'' સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે આ બિમારીથી છુટકારો મેળવી શકીશું.
ટેડ્રોસે કહ્યું કે, કોવિડ એ ન માત્ર લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધારી છે, પરંતુ અનેક લોકોના રુટિન વેક્સિનેશન, પરિવારની યોજનાઓ પણ તેનાથી પ્રભાવિત થઇ છે. તેનાથી દરેક પ્રકારના રોગોની સારવાર પણ પ્રભાવિત થઈ છે. ભવિષ્યમાં આ પ્રમાણેના સંક્રમણ અને મહામારી રોકવા માટે અમે WHO બાયોહબ સિસ્ટમ શરુ કરી છે. એપિડેમિક અને પેન્ડેમિક ઈન્ટેલિજન્સના હબને બર્લિનમાં ખોલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે એકસાથે મળીને કોવિડ સામે લડવુ પડશે. 70% વૈશ્વિક વેક્સિનેશન આ દિશામાં મહત્વપૂર્ણ પગલું બનશે.
