PM મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસનો બીજો દિવસ
Live TV
-
PM મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસનો બીજો દિવસ: રાષ્ટ્રપતિ પ્રોબોવો સાથે દ્વિપક્ષીય બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે દિવસ દરમિયાન ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અનેક ઉચ્ચ સ્તરીય કૂટનીતિક બેઠકો યોજાવા જઈ રહી છે. ત્રણ દેશોના પ્રવાસે નીકળેલા પીએમ મોદીના આ પ્રવાસમાં સંરક્ષણ, વેપાર અને મેરીટાઇમ કોઓપરેશન સહિતના ક્ષેત્રોમાં મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની પ્રબળ શક્યતા છે.
રાષ્ટ્રપતિ પ્રોબોવો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક
આજના દિવસના સૌથી મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિયાન્ટો સાથે વન-ટુ-વન દ્વિપક્ષીય બેઠક કરશે. વર્ષ 2018માં બંને દેશોના સંબંધો 'કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'માં બદલાયા બાદ આ પ્રગતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. આ બેઠક બાદ બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચે વાર્તાલાપ થશે, જેમાં પરસ્પર સહયોગના નવા આયામો નક્કી કરવામાં આવશે.
ઇન્ડોનેશિયાની સંસદમાં ગૂંજશે ભારતનો અવાજ
કૂટનીતિક બેઠકો ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાની સંસદના સ્પીકર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ એક ઐતિહાસિક ક્ષણ તરીકે તેઓ ઇન્ડોનેશિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ સંબોધન દરમિયાન ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી' અને 'મહસાગર વિઝન' હેઠળ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને લઈને ભારતનું વલણ સ્પષ્ટ કરવામાં આવી શકે છે.
પ્રવાસી ભારતીયો સાથે સંવાદ
પીએમ મોદીના આજના કાર્યસૂચિમાં જકાર્તા ખાતે યોજાનારી એક ભવ્ય 'કોમ્યુનિટી ઇવેન્ટ' પણ સામેલ છે. અહીં તેઓ મોટી સંખ્યામાં એકત્રિત થનારા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવામાં પ્રવાસી ભારતીયોની ભૂમિકાને તેઓ બિરદાવશે.
નિષ્ણાતોના મતે, પીએમ મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ગતિ મળશે અને આગામી દિવસોમાં તેના સકારાત્મક પરિણામો જોવા મળશે.
