PM મોદીને બ્યુનોસ એરેસમાં 'કી ટુ ધ સિટી' નામનું વિશેષ સન્માન એનાયત
Live TV
-
બ્યુનોસ એરેસમાં પ્રમુખ જોર્જ મેક્રી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'કી ટુ ધ સિટી' નામનું વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું. સન્માન વિશ્વની એવી પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે.
આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શનિવારે (સ્થાનિક સમય મુજબ) એક ખાસ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 'કી ટુ ધ સિટી' નામનું વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું, જે ભારત અને આર્જેન્ટિના વચ્ચેની ગાઢ મિત્રતા અને વિશ્વાસનું પ્રતીક છે. આ સન્માન તેમને બ્યુનોસ એરેસ શહેર સરકારના વડા જોર્જ મેક્રી દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ સન્માન વિશ્વની એવી પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે, જેઓ કોઈ શહેર સાથે ખાસ સંબંધ સ્થાપિત કરે છે અથવા તે શહેરમાં સાંસ્કૃતિક, રાજકીય અથવા આર્થિક સંબંધો વધારે છે.
સન્માન બદલ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ?
આ સન્માન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "બ્યુનોસ એરેસ શહેર સરકારના વડા જોર્જ મેક્રી પાસેથી 'કી ટુ ધ સિટી ઓફ બ્યુનોસ એરેસ' પ્રાપ્ત કરવી મારા માટે સન્માનની વાત છે." અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મેલી સાથે વ્યાપક વાતચીત કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વેપારને વૈવિધ્યીકરણ કરવા અને સંરક્ષણ, ખનિજો, ઊર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ખાણકામ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા.
આર્જેન્ટિના PM મોદીના પાંચ દેશોના પ્રવાસનો ત્રીજો તબક્કો
ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિના પ્રધાનમંત્રી મોદીના પાંચ દેશોના પ્રવાસનો ત્રીજો તબક્કો હતો. આ પહેલા તેઓ ઘાના અને ત્રિનિદાદ એન્ડ ટોબેગોની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પછી, તેઓ બ્રાઝિલમાં યોજાનારી 17મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને પછી નામિબિયા જશે. PM મોદીની આ મુલાકાતને ભારતની વૈશ્વિક રાજદ્વારીને નવી દિશા આપવા અને દક્ષિણ અમેરિકન દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
