WHOએ કોવિડ-19ની સારવાર માટેની હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ હંગામી ધોરણે અટકાવી
Live TV
-
વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગ સાથે સંકળાયેલી ક્લીનીકલ ટ્રાયલને હાલમાં હંગામી ધોરણે અટકાવી દેવા નિર્ણય લીધો છે. સંગઠનના વડાએ આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મેલેરિયામાં ઉપયોગમાં લેવાતી હાઇડ્રકોક્સીક્લોરોક્વીનના કોરોના દર્દીઓ પર ઉપયોગ અંગે ચિંતાઓ સેવાઇ રહી છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે.
હવે વિવિધ દેશની સરકારો લોકડાઉનમાં છુટછાટ આપવાની દિશામાં વિચારતી થઇ છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે અંકુશોમાં ઝડપથી છુટછાટ આપવામાં આવશે તો સંક્રમણની બીજી લહેર આવી શકે છે. સંગઠનના અધિકારી ડો.માઇકલ યાને આ ચેતવણી આપી હતી. કોરોના વાયરસ વિશ્વભરમાં 3 લાખ 46 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુક્યો છે. સંક્રમણના 54 લાખ 71 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાએ વિશ્વભરમાં અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે. અમેરિકામાં સંક્રમિતોનો આંક 16 લાખ 62 હજારને પાર કરી ગયો છે.
સંક્રમણને થયેલા મૃત્યુનો આંક 98 હજારને પાર થઇ ચુક્યો છે. અમેરિકા પછીના ક્રમે બ્રાઝિલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. તેવામાં અમેરિકાએ બ્રાઝિલથી આવી રહેલા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુક્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ખુલી રહેલા ચર્ચ માટે નવા દિશા નિર્દેશ જારી થયા છે. તે મુજબ વ્યક્તિગત પ્રાર્થના થઇ શકશે પરંતુ 100થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી. બ્રિટનમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થતાં લોકડાઉનમાં છુટછાટ અપાઇ રહી છે.
પ્રધાનમંત્રી બોરિસ જોન્સને જાહેરાત કરી હતી કે પહેલી જૂનથી દેશમાં બજારો ફરી ખુલશે. બ્રિટનમાં કોરોના સંક્રમણ 37 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુક્યું છે. બ્રિટનમાં કુલ બે લાખ 66 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. સ્પેને કહ્યું છે કે 1 જુલાઇથી તે વિદેશથી આવનારા નાગરિકોને ક્વોરેન્ટાઇન કરવાના નિયમનો અમલ બંધ કરશે. વિદેશી પર્યટક પણ પહેલી જુલાઇથી સ્પેનમાં આવી શકશે. સ્પેનમાં કોરોનાને કારણે 26 હજારથી વધુ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. બે લાખ 35 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે.
